ઇન્ડિયન રેલ્વે પર્સનલ સર્વિસ (IRPS) અધિકારી અને લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલાએ આજે મંગળવારે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અંજિલ બિરલાએ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાઓને પડકાર ફેંક્યો છે કે તેના પિતાના પ્રભાવને કારણે તેણે UPSCની પરીક્ષા પાસ કરી છે.હાઇકોર્ટે આ અરજી પર ઝડપથી સુનાવણી કરવા સંમતિ પણ દર્શાવી હતી.
વરિષ્ઠ વકીલ રાજીવ નાગરે જસ્ટિસ નવીન ચાવલા સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જસ્ટિસ ચાવલાએ કહ્યું કે, આ મામલે આજે જ સુનાવણી થશે. અહેવાલ મુજબ અંજલિ બિરલાએ અરજીમાં કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરવામાં આવી રહી છે તે અપમાનજનક અને ખોટી છે.
બીજી વખત લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલાની ચૂંટણી અને NEET UG પેપર લીક વિવાદ વચ્ચે, સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અંજલિ બિરલા તેના પિતાના પ્રભાવશાળી પદને કારણે IAS ઓફિસર બની છે. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, અંજલિ બિરલા વ્યવસાયે એક મોડેલ છે અને તેના પિતાના કારણે તેણીએ પ્રથમ પ્રયાસમાં જ UPSC પરીક્ષામાં પાસ કરી હતી.
જો કે, અંજલિ બિરલાએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ચલાવવામાં આવી રહ્યા હતા. અંજલિએ તેને અને તેના પિતાને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. અંજલિ બિરલાએ એક્સ, ગૂગલને પણ પાર્ટી બનાવી છે. તેમણે 16 X ખાતાઓની વિગતો પણ આપી છે જેના પર વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં યુટ્યુબર ધ્રુવ રાઠીનું પેરોડી એકાઉન્ટ પણ સામેલ છે.
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંજલિ એક IAS ઓફિસર છે, જ્યારે હકીકતમાં તે IRPS ઓફિસર છે. તેણીએ 2019માં UPSCની પરીક્ષા આપી હતી.