ભારત આગામી થોડા કલાકમાં કંઇક મોટું કરવા જઇ રહ્યું છે કારણ કે ઓડિસાના બાલાસોરમાં સરકારે અંદાજે 10 હજારથી વધુ લોકોને અચાનક જ ખસેડી લીધા છે. મળતી માહિતી મુજબ ભારત સમયાંતરે અનેક મિસાઈલ પરીક્ષણો કરતું રહે છે, પરંતુ આ વખતે કંઈક મોટું થવાનું છે તેમ લાગી રહ્યું છે. સરકારે આજે બુધવારે યોજાયેલા મિસાઈલ પરીક્ષણને લઈને ઓડિશાના બાલાસોર માં પરીક્ષણ સ્થળની આસપાસના 10,000 લોકોને વિસ્થાપિત કર્યા છે.ભારતના આ પગલાંથી પાકિસ્તાન અને ચીન સહિત સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે.
આજે ભારતમાં થઈ રહેલા આ મિસાઈલ પરીક્ષણ પર દરેક દેશ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. તેનું એક કારણ એ છે કે ભારતે આ મિસાઈલની પ્રકૃતિ અને પ્રકાર અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આ મિસાઈલ શેના માટે હશે, તેની વિશેષતા શું હશે, તેનો પ્રકાર શું હશે… ભારતે આવી તમામ માહિતી ગુપ્ત રાખી છે. એટલા માટે દુનિયા તેના પર નજર રાખી રહી છે.
બાલાસોરના જિલ્લા વહીવટીતંત્રે બુધવારે હાથ ધરવામાં આવનાર મિસાઇલ પરીક્ષણ પહેલા 10 ગામડાઓમાંથી 10,000 થી વધુ લોકોને અસ્થાયી રૂપે અન્ય સ્થળોએ ખસેડ્યા છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. એક સંરક્ષણ સૂત્રએ જણાવ્યું કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ પણ ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે મિસાઈલ પરીક્ષણ માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમણે જણાવ્યું કે આ ટેસ્ટ ITRની લોન્ચ સાઇટ નંબર-3 પરથી કરવામાં આવશે. દરમિયાન, એક મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું કે બાલાસોર જિલ્લા વહીવટીતંત્રે મિસાઇલ પરીક્ષણ પહેલાં પ્રક્ષેપણ સ્થળની 3.5 કિમીની ત્રિજ્યામાં સ્થિત 10 ગામોમાંથી 10,581 લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવાની વ્યવસ્થા કરી છે.
આ વ્યવસ્થાઓ અસરગ્રસ્ત લોકોને પર્યાપ્ત વળતર આપવા સાથે કરવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા લોકોને નજીકના અસ્થાયી આશ્રય કેન્દ્રોમાં સરળતાથી ખસેડવામાં આવી રહ્યા છે . વહીવટીતંત્રે મંગળવારે જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ ઠાકરે અને પોલીસ અધિક્ષક સાગરિકા નાથની હાજરીમાં તૈયારીની બેઠક યોજી હતી. જિલ્લા વહીવટીતંત્રે આ ગામોના લોકોને બુધવારે સવારે 4 વાગ્યા સુધીમાં તેમના ઘર છોડવા અને પરીક્ષણ પૂર્ણ થયા પછી જાહેરાત ન થાય ત્યાં સુધી કેમ્પમાં રહેવા કહ્યું છે. અધિકારીએ કહ્યું કે શિબિરમાં આવનારા લોકો માટે નક્કી કરાયેલ વળતરની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
બાલાસોર જિલ્લા વહીવટીતંત્રે લોકોને નજીકની શાળાઓ, બહુહેતુક ચક્રવાત પુનર્વસન કેન્દ્રો અને અસ્થાયી તંબુઓમાં રહેવાની વ્યવસ્થા કરી છે, એમ જિલ્લા મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દરેક કેમ્પમાં ઓછામાં ઓછા 10 સરકારી અધિકારીઓને લોકોની મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત, 22 પોલીસ ટુકડીઓ (દરેક ટુકડીમાં નવ કર્મચારીઓ) કેમ્પમાં લોકોને મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.