ફરી એકવાર પાકિસ્તાનમાં હિંદુ સમુદાયના વ્યકિત સાથે ખરાબ વર્તન થયાનું સામે આવ્યું છે. પાકિસ્તાનમાં આતંકવાદ, હત્યા, લૂંટ જેવી ઘટનાઓ સામાન્ય છે આ સિવાય સૌથી વધુ ખરાબ ઘટનાઓ જો બનતી હોય તો તે હિંદુ સમુયાદ સાથે છે.
પાકિસ્તાન સરકાર લઘુમતીઓની સુરક્ષા કરવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. દેશની નવી શાહબાઝ સરકાર પણ લઘુમતીઓની સુરક્ષા માટે કોઈ વિશેષ પગલું નથી લઈ રહી. પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતના મિરપુરખાસમાં ધોળા દિવસે એક હિંદુ ડૉકટરનું અપહરણ કર્યાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, પાડોશી દેશમાં ધાર્મિક લઘુમતીઓ પર સતત કહેર વર્તાઈ રહ્યો છે. ક્યારેક સગીરા સાથે બળજબરીથી લગ્ન તો ક્યારેક હિંદુ સમુદાયની વ્યકિતનું જાહેરમાં ખૂન આવી ઘટનાઓ પાકિસ્તાનમાં સામાન્ય બનતી જઈ રહી છે. વાત જાણે એમ છે કે, ઘાતક હથિયારો સાથે આવેલા છ શખ્સોએ ડૉકટર ભુરોમલ ઠાકોર કોહલીના ઘરે આવ્યા અને તબીબના ભાઈ પ્રકાશ અંગે પૂછવા લાગ્યા હતા. જો કે ઘરે પ્રકાશને શોધવામાં આવ્યો પરંતુ ન મળતા આ શખ્સોએ તેના વિશે પૂછપરછ કરી બાદમાં તબીબના ઘરના સભ્યો સાથે મારામારી કરીને ડૉકટર ભુરોમલનું અપહણ કરી ગયા હતા.
પાકિસ્તાનમાં આવેલા સિંધના મિરપુરખાસ શહેરમાં રહેતા ડૉકટર ભુરોમલ ઠાકોરના પરિવાર પર દુ:ખનું આભ તૂટી પડયું છે. જ્યારે આ વિસ્તારના એસએચઓ આસિફ અલી ખાસકેલીએ ફોન પર તેના ભાઈ પ્રકાશને તાલુકા પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. પ્રકાશ પોલીસ સ્ટેશન ગયા પછી આશરે છ લોકો હથિયાર સાથે તેના ઘરે આવ્યા અને પ્રકાશને શોધવા લાગ્યા હતા. જો કે ડૉકટર ભુરોમલના ભાઈ પ્રકાશ ન મળતા આ ગુંડા તત્વોએ પરિવારના લોકો સાથે જાહેરમાં મારામારી કરી અને ભુરોમલને પોતાની સાથે લઈ ગયા હતા.
ભુરોમલ ઠાકોર એક એમબીબીએસ ડૉકટર છે અને પોતાના પરિવારની સાથે મિરપુરખાસ રહે છે. તેઓના અપહરણ થયા પછી પરિવારની સ્થિતિ રોઈ-રોઈને ખરાબ થઈ ગઈ છે. ભુરોમલની બહેનના જણાવ્યા પ્રમાણે એક શખ્સે ફોન કરી તેના ભાઈને તાલુકા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. અને બાદમાં બપોરે તેને શોધતા છ શખ્સો આવ્યા હતા અને તેની ગેરહાજરીમાં ડૉ.ભુરામલનું અપહરણ કરીને લઈ ગયા હતા. વિરોધ કરતા પરિવારના સભ્યોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
કહેવા માત્ર તો પાકિસ્તાનમાં હિંદુ સમુયાદ સૌથી બીજા નંબરે છે પરંતુ આ હિંદુ સમુદાયના લોકોની સ્થિતિ ખૂબ ખરાબ છે. હિંદુ ધર્મ માનતા સૌથી વધુ લોકો મજૂરી કરે છે અને ગરીબ પરિવારથી આવતા હોય છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની 24 કરોડથી વધુ વસ્તી છે જેમાં ધાર્મિક લઘુમતીની સંખ્યા 87 લાખ છે. આમાં હિંદુઓની કુલ વસ્તી આશરે 53 લાખ છે.