24 વર્ષની કૃતિ કુમારીને ખબર ન હતી કે તેની ફ્રેન્ડને મદદ કરવી તેને આટલી કિંમત ચૂકવવી પડશે. તેની મિત્રએ આવીને તેની સાથે પીજીમાં એક અઠવાડિયા સુધી રહેવા માટે મદદ માંગી. કૃતિએ તેને આશ્રય આપ્યો અને આ બાબતે કૃતિની હત્યા કરવામાં આવી. આ મામલો કર્ણાટકના બેંગ્લોર નો છે, જ્યાં પોશ વિસ્તારમાં રહેતી કૃતિની તેની રુમમેટ ફ્રેન્ડના પૂર્વ બોયફ્રેન્ડે ક્રુતિની નિર્દયતાથી હત્યા કરી હતી.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે ચોંકાવનારા છે. અભિષેક નામનો યુવક મોડી રાત્રે પીજીમાં કોઈ પણ જાતના ડર અને ખચકાટ વગર દાખલ થયો હતો. કૃતિના રૂમની બેલ વાગી, જ્યારે કૃતિએ દરવાજો ખોલ્યો ત્યારે અભિષેકે તેના પર હુમલો કર્યો. ફૂટેજમાં જોવા મળે છે કે અભિષેકે કૃતિ પર ઘણી વાર હુમલો કર્યો અને ત્યાંથી ભાગી ગયો. આ ઘટનાનું વધુ એક હ્રદયસ્પર્શી પાસું સામે આવ્યું છે. કૃતિ પીડાથી રડતી રહી, હાથ ઊંચો કરીને મદદ માંગતી રહી પણ કોઈ છોકરી તેની પાસે મદદ માટે ન આવી. તે પીડામાં મૃત્યુ પામી અને ત્યાં ઉભેલી તમામ છોકરીઓ તેને જોઈને પાછી જતી રહી. જો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત.
In a chilling incident, a young woman was brutally murdered by a man who mistook her for his ex-girlfriend in a paying guest (PG) accommodation in #Koramangala, #Bengaluru.
The accused, #Abhishek, had been searching for his former lover and mistakenly attacked the wrong person,… pic.twitter.com/ZQGDMhzTFh
— Hate Detector 🔍 (@HateDetectors) July 26, 2024
આ ઘટના કોરમંગલાના પીજી ખાતે બની હતી. કૃતિ બિહારની રહેવાસી હતી. હુમલાના ત્રણ દિવસ બાદ પોલીસે અભિષેકની મધ્યપ્રદેશથી ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
બિહારની 24 વર્ષીય મહિલા કૃતિ કુમારી બેંગ્લોરની એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. અહેવાલ મુજબ આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. આરોપીનું નામ અભિષેક છે. તેણે તાજેતરમાં જ બેંગલુરુની એક ખાનગી કંપનીમાં નોકરી છોડી દીધી હતી. તે કૃતિ કુમારીના રૂમમેટનો પ્રેમી હતો. અભિષેક અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચેના સંબંધો સારા ચાલતા ન હતા.
કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે અભિષેકની ગર્લફ્રેન્ડ કૃતિ કુમારીની સલાહ પર પીજીમાં રહેવા ગઈ હતી. પોલીસને શંકા છે કે અભિષેકે કૃતિ કુમારીને નિશાન બનાવી હશે કારણ કે તેને લાગ્યું કે કૃતિએ તેની ગર્લફ્રેન્ડને તેનાથી દૂર રાખવા માટે પ્રભાવિત કરી છે. કૃતિ કુમારી પણ તાજેતરમાં કોરમંગલામાં VR લેઆઉટ પીજીમાં રહેવા આવી હતી. કોરમંગલા પોલીસે ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ શરૂ કરી હતી.
કૃતિ પર હુમલાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જ્યારે પીજીમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે મંગળવારે રાત્રે લગભગ 11.14 વાગ્યે અભિષેક બિલ્ડિંગના ત્રીજા માળે આવ્યો હતો. તેણે પ્લાસ્ટિકની થેલીમાં છુપાયેલ છરી વડે કૃતિ કુમારીનો દરવાજો ખખડાવ્યો. આ પછી 18 સેકન્ડ સુધી રૂમની અંદર બંને વચ્ચે લડાઇ થઇ હતી અને ત્યાર બાદ બંને ગેલેરીમાં આવ્યા હતા
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કૃતિ કુમારીએ પોતાને બચાવવા માટે સંઘર્ષ કર્યો. હુમલાખોરે તેને દૂર ધકેલવાનો અને હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેના પર કાબૂ મેળવી લીધો અને તેના પર છરી વડે અનેક વાર કર્યા. હુમલાખોરે લગભગ 11.15 વાગ્યે નાસી જતા પહેલા કૃતિનું ગળું ત્રણ વખત કાપી નાખ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ચોથા માળેથી ત્રણ મહિલાઓએ પીડિતને ગંભીર રીતે ઘાયલ અને હુમલાખોરને ભાગતો જોયો હતો. લગભગ 90 સેકન્ડ પછી કૃતિ કુમારી બેભાન થઈ ગઈ.
પોલીસે જણાવ્યું કે અભિષેક મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી છે. તે પહેલા એક યુવતી સાથે રિલેશનશિપમાં હતો. તાજેતરમાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને યુવતી પીજીમાં રહેવા લાગી. અભિષેકની બેંગલુરુની અવારનવાર મુલાકાત અને શહેરમાં નોકરી મેળવવાના ખોટા દાવાઓને કારણે તેની ગર્લફ્રેન્ડ તેનાથી દૂર થઈ ગઈ. અભિષેકને જાણ કર્યા વિના તે આવીને કૃતિ સાથે પીજીમાં રહેવા લાગી. અભિષેક તેને શોધતો હતો. તેને ખબર પડી કે તે પીજીમાં રહે છે. તે રાત્રે તેને મળવા આવ્યો હતો.
પીજીમાં રૂમની બહાર તે કૃતિ પર ઘણી વખત હુમલો કરતો રહ્યો. તે ચીસો પાડતી રહી પણ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહીં. સૂત્રોએ જણાવ્યું કે અન્ય છોકરીઓ છુપાઈને બધું જોતી રહી પરંતુ કોઈએ આવીને કૃતિને બચાવવાની હિંમત કરી નહીં. અભિષેક ભાગ્યા પછી છોકરીઓ આવી પણ કૃતિની નજીક કોઈ ગયું નહીં. કેટલાક સીડીઓ ઉપર ગઇ અને કેટલીક નીચે જતી રહી. ફૂટેજમાં જોવા મળે છે કે કૃતિ છોકરીઓની સામે હાથ લંબાવીને મદદ માંગી રહી છે પરંતુ યુવતીઓ તેની નજીક નથી જઈ રહી. થોડા સમય પછી તે જમીન પર પડે છે અને મૃત્યુ પામે છે.