રાજકોટ ભાજપને કાયદો નડતો ના હોય તેવી સ્થિતિ સામે આવી છે. રાજકોટ પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની યુવા ભાજપના ઉપ પ્રમુખ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખની બે કાર ઝડપાઇ હતી. જોકે, ભાજપના કાર્યકર્તાઓએ કાર છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા પણ IPS પૂજા યાદવ કાયદાનું ભાન કરાવ્યું હતું.
રાજકોટમાં ઉલટા ચોર કોતવાલ કો દાંટે જેવી સ્થિતિ જોવા મળી હતી. રાજકોટમાં ટ્રાફિક પોલીસના ચેકિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાની કાર પકડી તો ભાજપના કાર્યકર્તા અન્ય લોકોને લઇને પોલીસ સ્ટેશને ભલામણ કરવા માટે પહોંચી ગયા હતા. રાજકોટમાં કિશાનપરા ચોકમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં ખુદ DCP પૂજા યાદવ સહિતના અધિકારીઓ હાજર હતા.
પોલીસે કાળા કલરના કાચ તેમજ નંબર પ્લેટ વગરની ભાજપના કાર્યકર્તાની કાર રોકી હતી. તો કાર્યકર્તાએ રોફ જમાવી કારની ચાવી કાઢી લીધી હતી અને પોલીસને આપી નહતી. તે બાદ ભાજપનો કાર્યકર્તા DCP પૂજા યાદવ પાસે અન્ય કાર્યકર્તાઓને લઇને કાર છોડાવવા માટે ભલામણ લઇને પહોંચ્યો હતો. ભાજપના કાર્યકર્તા IPS અધિકારી ઉપર દબાણ કરતા પણ જોવા મળ્યા હતા. જોકે, પોલીસ ભાજપના કાર્યકર્તા સામે ટસની મસ થઇ નહતી અને કારને કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભાજપના કાર્યકર્તાની કારને ઝડપીને સાબિત કરી દીધુ કે કાયદો બધા માટે એક સમાન જ છે.
આ બે કાર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના યુવા ભાજપના ઉપ પ્રમુખ હર્ષવર્ધન સિંહ કિહોર અને વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓની કાર પોલીસ દ્વારા ડિટેન કરવા મામલે ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહે DCPને ભલામણ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર મામલે વિવાદ બાદ ધારાસભ્યએ ખુલાસો કરતા કહ્યું કે, મારે DCP સાથે વાત થઇ છે મે માત્ર માર્ગદર્શન માંગ્યુ હતું. જે કાર્યકર્તાઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું તેમને દંડ ભરવો જ પડે છે. નિયમ વિરૂદ્ધ જવાની કોઇ વાત નથી.
રાજકોટ એસીપી ટ્રાફિક જે.બી.ગઢવીએ કહ્યું કે, “ડીસીપી પૂજા યાદવ અને ટ્રાફિક દ્વારા રાજકોટમાં કિશાનપરા ચોકમાં ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી હતી. કાળા કાચ નંબર પ્લેટ વગરની નંબર પ્લેટ ફેન્સી હોય તેના પર ફોકસ કર્યું હતું. આવી કાળા કાચની ગાડી ગુનામાં પણ વપરાતી હોય છે .જે ગાડીમાં નંબર પ્લેટ નહતી અને કાળા કાચ હતા તેવી બે ગાડી ડિટેન પણ કરી હતી.”