અમેરિકામાં ઘૂસવા જતાં અંદાજે 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયાના અહેવાલ છે, જેમાં મોટા ભાગના ઉત્તર ગુજરાતના યુવાનો છે. તેઓ મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે યુએસએમાં ઘૂસ્યા હતા. આ અઠવાડિયા પહેલાંની ઘટના છે. ઝડપાયેલા તમામને ગમે ત્યારે ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અંદાજે એક મહિના પહેલાં ઉત્તર ગુજરાતના 150થી વધુ યુવાનો અમેરિકા જવા નીકળ્યા હતા. તેઓ વાયા યુરોપ થઈને ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઊતર્યા હતા. ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા અને એક અઠવાડિયા પહેલાં મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા હતા અને ઝડપાઈ ગયા હતા.
યુરોપથી આવતા લોકોએ કાયદેસર મેક્સિકોની ઓનઅરાઇવલ વિઝા કે પરમિટ લેવી પડે, પરંતુ ચાર્ટર્ડમાં ગયા એ બધાએ પરમિટ લીધી નહોતી. આ બધા ચાલતાં ચાલતાં મેક્સિકોમાં ઘૂસી ગયા બાદ એજન્ટોએ તેમના પાસપોર્ટ પર મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર મારી દીધાં હતાં.
મેક્સિકોમાં દિલ્હીના એજન્ટે પૈસા લઈ અમેરિકા ઘુસાડ્યા
પાસપોર્ટમાં મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર લગાવ્યાં બાદ પહેલા દિલ્હીના એજન્ટોએ બધા પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યાર બાદ બધાને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી હતી. અહીં દિલ્હીના એજન્ટનું કામ પતી ગયું હતું.
નોંધનીય છે કે અમેરિકામાં ઘૂસતાં પકડાઈ જાય તો ભારતીય લોકો દર વખતે એક સામાન્ય બહાનું કાઢતા હોય છે. ભારતમાં કોઈ રાજકીય પાર્ટીથી ખતરો હોવા સહિતનાં કારણો તેઓ અમેરિકાની ઓથોરિટીને જણાવે છે. અમેરિકાના કાયદા મુજબ તેઓ આવા લોકોને અસાયલમ (રાજ્યશ્રય) આપે છે, પણ આ વખતે બાજી બદલાઈ ગઈ હતી.
અમેરિકાની બોર્ડર પોલીસે પાસપોર્ટ ચેક કરતાં એમાં મેક્સિકોના સિક્કા ખોટા હોવાનું સામે આવ્યું હતું, આથી ત્યાંની ઓથોરિટીએ અસાયલમ (રાજ્યશ્રય)નું કારણ ફગાવી દીધું હતું અને વધુ પૂછપરછ કરી હતી. ઓફિસરે તેમને પૂછ્યું હતું કે અસાયલમની વાત અલગ છે, પણ તમારા પાસપોર્ટમાં આ મેક્સિકોના સિક્કા ખોટા છે, એનો જવાબ આપો. તમે ખોટું કરીને આવ્યો છો. તમે મેક્સિકો ઊતર્યા જ નથી. તમે બહારની બીજી કન્ટ્રીમાંથી આવ્યા છો. કડક પૂછપરછ બાદ ઘૂસેલા લોકોએ સ્વકારી લીધું હતું કે સિક્કા ખોટા છે અને મેક્સિકોમાં એજન્ટોએ લગાવ્યા છે.
ઝડપાયેલા તમામ લોકોને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ દેશના લોકો સામેલ છે. ભારતીયોમાં 150થી વધુ ગુજરાતીઓ છે. આ કેસ અસાયલમના બદલે ડોક્યુમેન્ટ સાથે ચેડાં કર્યાં હોવાથી તમામને ડિપોર્ટ કરવાની તજવીજ થઈ રહી છે.
અમેરિકામાં ડિપોર્ટ થઈને ભારત પહોંચશે તો બધા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં આ સમાચાર પહોંચતાં ફફડાટ ફેલાઈ ગયો છે. બધા લોકો મૂળ કયા ગામના છે અને કયા એજન્ટો દ્વારા ગયા હતા એની વિગત હજી સુધી બહાર આવી નથી.
અમેરિકામાં હાલ રાષ્ટ્રપતિની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિની રેસમાં આગળ છે. ચૂંટણીપ્રચારમાં ટમ્પ કહી ચૂક્યા છે કે જો તે ચૂંટાઈને આવશે તો શરણાર્થીઓ માટે બોર્ડર બંધ કરાવી દેશે, આથી નવેમ્બરમાં ચૂંટણી યોજાઈ એ પહેલા અમેરિકામાં ઘૂસવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી રહ્યાં છે, જેમાં નાનાં-નાનાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલાં આખું પ્લેન ભાડે કરી ગુજરાતીઓને અમેરિકામાં ઘુસાડવાનું વધુ એક ષડ્યંત્ર બહાર આવ્યું હતું. દુબઈથી ઉડાન ભરીને નીકળેલા પ્લેનને કેરેબિયન દેશ જમૈકામાં રોકી દેવામાં આવ્યું હતું. આ પ્લેનમાં કુલ 253 મુસાફર હતા, જેમાં 150થી 175 ભારતીય સવાર હતા. એમાંથી મોટા ભાગના ગુજરાતીઓ અને પંજાબીઓ હતા. બાદમાં તમામ પેસેન્જરને હોટલમાં નજરકેદ કરી પૂછપરછ કરી હતી. આ પ્રકરણ બહાર આવ્યા બાદ જમૈકામાં હોબાળો મચી ગયો હતો.
જમૈકામાં આ ફલાઈટને કારણે થયેલા હોબાળાને કારણે આસપાસના દેશોને પણ આ અંગે જાણ થઈ હતી. વધુમાં જ્યાં આ લોકોને મોકલવાના હતા એ અમેરિકાના ઓફિસરોને પણ આ અંગેની જાણ થઈ ગઈ હતી, જેથી લોકોને ગેરકાયદે અમેરિકા મોકલતા એજન્ટોનો આખો પ્લાન ફેઇલ થયો હતો અને દુબઈથી જ શરૂ થયેલી ફ્લાઇટને દુબઈ ખાતે પરત ફરવું પડ્યું હતું.
નોંધનીય છે કે 8 મહિના પહેલાં ફ્રાન્સમાં પણ આવી ઘટના સામે આવી હતી. 303 ભારતીય મુસાફર સાથેનું પ્લેન રોકી દેવામાં આવ્યું હતું. આ પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. વચ્ચે ફ્યૂઅલ ભરાવવા ફ્રાન્સમાં રોકાયું હતું, જ્યાં ફ્રાન્સ ઓથોરિટીને શંકા જતાં પ્લેન રોકીને તપાસ કરવામાં આવતાં માનવ તસ્કરી થતી હોવાનું સામે આવ્યું હતું.
થોડાક દિવસ મુસાફરોને રોકી પૂછપરછ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં તમામ બધા 303 પેસેન્જર્સે ફ્રાન્સની કોર્ટમાં કહ્યું હતું કે તેઓ પોતાની મરજીથી ફ્લાઈટ લીધી હતી, જેથી ફ્રાન્સે માનવ તસ્કરીના બદલે વાયોલેશન ઓફ ઇમિગ્રેશન રૂલ્સ સંદર્ભે કેસ નોંધ્યો હતો, જેના કારણે 303માંથી 276 લોકોને નિકારાગુઆને બદલે ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માગ્યો છે, જેમાં પાંચ સગીર સામેલ હતા.