સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર મોટરમેનને આરામ કરવાની લૉબીમાંથી છેલ્લા ચાર દિવસમાં ૯૧ મરેલા ઉંદર મળી આવ્યા હોવાથી એની દુર્ગંધથી ત્યાં બેસવું દુષ્કર થઈ જવાથી તેમના માટે લૉબીની બહારના પબ્લિક પૅસેજમાં જગ્યા આપીને હાલ વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર તેમણે આ સંદર્ભે હાઉસકીપિંગના કૉન્ટ્રૅક્ટરને પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘CSMT બહુ મોટો વિસ્તાર છે અને રોજના હજારો લોકોની અહીં અવરજવર હોય છે. અહીં ફૂડ-સ્ટૉલ પણ છે અને મોટરમેનની લૉબીની બાજુમાં શેડવાળી એક કૅન્ટીન પણ આવેલી છે. લોકો પણ અહીં ખાવાનું ખાતા હોય છે. જ્યાં ફૂડ-પાર્ટિકલ્સ હોય ત્યાં ઉંદરોનો ત્રાસ હોય છે. કોઈએ ઉંદરથી છુટકારો મેળવવા રેટ પૉઇઝનની દવા રાખી હતી જેની અસર થવાથી ઉંદરો મરી રહ્યા છે. જોકે મરેલા ઉંદરોની દુર્ગંધને કારણે મોટરમેનની લૉબીમાં બેસવું શક્ય નથી એટલે તેમના માટે બહાર વ્યવસ્થા કરવામાં આવી છે. એની સાથે જ અમે ત્યાંની સાફસફાઈ પર ભાર મૂકી રહ્યા છીએ અને એ માટેનાં જરૂરી તમામ પગલાં લઈ રહ્યા છીએ.’