રૂપિયા ૨ હજાર ૯૮ કરોડ રૂપિયાની માતબર બજેટ જોગવાઈ સાથે પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતા મંત્રી
આહવા
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા, અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો આજે પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેમ જણાવતા રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ, પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.મુળુભાઇ બેરાએ, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર, ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસીય સુવિધાઓના વિકાસ માટે વિશેષ ધ્યાન આપી રહી છે તેમ જણાવી, રોડ અને રેલ્વેની શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાઓ, શાંતિ અને સુરક્ષાને કારણે ગુજરાત, પ્રવાસીઓની પસંદગીનું સ્થળ બન્યું છે.ગિરિમથક સાપુતારા ખાતે ‘મેઘ મલ્હાર પર્વ’ નો પ્રારંભ કરાવતા મંત્રીશ્રીએ સગર્વ જણાવ્યું હતું કે, ગત ઉનાળુ વેકેશનમાં ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર બે મહિના દરમિયાન એક કરોડ પાંત્રીસ લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. જે ગત વર્ષની તુલનામાં ૧૭ ટકાથી વધુ છે. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા રાજ્ય સરકાર ‘કૈલાશ માનસરોવર યાત્રા’, ‘સિંધુ દર્શન યાત્રા’ સહિત ‘શ્રવણ તીર્થ યાત્રા’ જેવી યોજનાઓમા પણ આર્થિક સહાય આપી રહી છે તેમ જણાવી, ‘સાપુતારા-શબરી ધામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ કરવામાં આવ્યો છે.
સાપુતારા એ ગુજરાતનું એક માત્ર હીલ સ્ટેશન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા આ હીલ સ્ટેશન પર આવતા પ્રવાસીઓને ફરવાનાં આનંદની સાથે સાથે, એક ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ અહી જોવા મળે છે. ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન થોડોક સમય અહીં રોકાયા હતા. એ જ સમયે શબરી માતા સાથે એમનો ભેટો થયો હતો, અને શબરી માતાએ ભગવાન શ્રીરામને મીઠાં બોર ખવડાવ્યા હતા. તેમ જણાવતા મંત્રીશ્રીએ, છેલ્લા બે દાયકામાં રાજ્ય સરકારે સાપુતારાની સકલ અને સુરત બદલી નાખી છે. તેથી જ આજે સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તેમ કહ્યું હતું. વૈશ્વિક નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસન વિકાસના વિઝનને સાકાર કરવા માટે અમારી સરકાર પ્રયાસ કરી રહી છે.
દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે આજે ગુજરાત પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર છે તેમ જણાવતા પ્રવાસન મંત્રીશ્રીએ રણ, સમુદ્ર અને ડુંગર આ ત્રણેય કુદરતે આપેલી અમૂલ્ય દેન છે. કુદરતે ગુજરાતને અખૂટ પ્રાકૃતિક સૌંદર્યથી નવાજ્યું છે. રાજ્ય સરકારે પ્રવાસનને નવી ગતિ આપવાના પ્રયાસો કર્યાં, અને રાજ્યભરમાં પ્રવાસીઓની સગવડ ઉભી કરવાનું મોટું કામ કર્યું છે.રાજ્ય સરકાર પ્રવાસન અને યાત્રાધામના વિકાસ માટે પ્રતિબધ્ધ છે તેમ જણાવતા શ્રી પટેલે, આ વર્ષના બજેટમાં પ્રવાસન અને યાત્રાધામના વિકાસ માટે રૂપિયા ૨ હજાર ૯૮ કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે તેમ કહ્યું હતું. તેમણે ઉત્તર ગુજરાતના અંબાજી-ધરોઇ-તારંગા-વડનગર વિસ્તારનો વર્લ્ડ કલાસ સસ્ટેનેબલ ટૂરિસ્ટ પિલ્ગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમ પણ કહ્યું હતું. રાજ્ય સરકારના આવા પગલાઓથી પ્રવાસન ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોજગારીના સર્જનની સાથો સાથ સાંસ્કૃતિક ધરોહરનું સંરક્ષણ અને વિકાસ પણ થઈ રહ્યો છે. અયોધ્યા ધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડો અર્થે ‘ગુજરાત યાત્રી ભવન’નું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. સરકારે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અનેકવિધ પગલાંઓ લીધાં છે. અમે, આ ક્ષેત્રના સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વિકાસ માટે ‘નવી પ્રવાસન નીતિ’ પણ જાહેર કરી છે.ગુજરાતને ‘ગ્લોબલ ચોઇસ ફોર ટુરિઝમ’ તરીકે વૈશ્વિક પ્રવાસન નકશામાં સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા સાથે, સરકારે આ નીતિ જાહેર કરી છે. આ નીતિ હેઠળ રાજ્યમાં પ્રવાસનના વિકાસની સાથે સાથે પર્યાવરણ સમૃદ્ધિનો વિશેષ દ્રષ્ટિકોણ પણ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ દમદાર રીતે ચમકાવવા માટે રાજ્યની પ્રાચીન ધરોહરો, ઐતિહાસિક વારસાગત ઇમારતો, અને સ્થળોને ‘હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન’ તરીકે પ્રમોટ કરનારી મહત્વપૂર્ણ ‘હેરિટેજ ટુરિઝમ પોલિસી’ પણ જાહેર કરી છે.આ ઉપરાંત, ગુજરાતની સર્વપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી’ થી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે વિશેષ તકોનું સર્જન કરવામાં આવી રહ્યુ છે. જેને કારણે સ્થાનિક લોકો માટે રોજગારીની તકો પણ ઊભી થઈ છે. તેમ જણાવતા શ્રી મુળુભાઇ બેરા એ, ગુજરાતમાં વન્યજીવોના અભયારણ્યો, હિલ રિસોર્ટ્સ, પ્રાકૃતિક આકર્ષણો અને યુનેસ્કો માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઇટ્સ આવેલી છે તેમ કહ્યું હતું. કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલ સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’, સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ એટલે કે ગિરના જંગલો, યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ ભારતનું ‘પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ’ તથા વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના લિસ્ટમાં સામેલ ‘રાણીની વાવ’ અને ‘ધોળાવીરા’ જેવા ઐતિહાસિક સ્થળોનો ભવ્ય વારસો, માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે.
‘બ્લૂ ફ્લેગ બીચ’નો દરજ્જો પ્રાપ્ત કરનાર ‘શિવરાજપુર બીચ’, ભારત-પાકિસ્તાન સરહદ પર બનાસકાંઠા જિલ્લાના ‘નડાબેટ’માં રોમાંચિત કરી મૂકે તેવો ‘સીમાદર્શન કાર્યક્રમ’, બાલાસિનોરમાં દેશનો પહેલો ‘ડાયનોસોર પાર્ક’ તથા સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજી જેવા પ્રખ્યાત પ્રવાસન આકર્ષણો, ગુજરાતની શાન છે. સદીઓ જૂનાં શિલ્પો, હસ્તકળાના નમૂનાઓ, કલાકૃતિઓ અને વિવિધ મેળાઓ, તહેવારો રાજ્યને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવે છે. ત્યારે ગુજરાત સરકાર, પ્રવાસન સુવિધાઓ અને પ્રવાસનના વિકાસ માટે અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે રોપ-વેનું નિર્માણ, મહોબત ખાન મકબરા અને ઉપરકોટના કિલ્લા પર સ્થિત ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઇમારતોના જીર્ણોદ્ધારનું કામ, એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન સાસણગીરમાં વિવિધ પ્રવાસન સુવિધાઓ તથા દેવલિયા પાર્કના વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ્સ, દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ‘ગાંધી સર્કિટ’ અને ‘બૌદ્ધ સર્કિટ’ નાં વિકાસ સાથે ગુજરાત સરકાર, રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે નવા વિઝન સાથે રિલિજિયસ ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, એગ્રીકલ્ચરલ ટુરિઝમ, બોર્ડર ટુરિઝમ, વાઈલ્ડ લાઈફ ટુરિઝમ અને બીચ ટુરિઝમનો પણ વિકાસ કરી રહી છે .મારો ઉદ્દેશ્ય ‘अतिथि देवो भवः’ ની પરંપરાને અનુસરીને ગુજરાતના પ્રવાસે આવનારા તમામ યાત્રીઓને સુરક્ષિત, આરામદાયક અને અદ્દભુત પ્રવાસનનો અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરવાનો, તેમજ આવા પ્રવાસી કેન્દ્રિત દ્રષ્ટિકોણ દ્વારા ગુજરાતને એક સુરક્ષિત પર્યટન સ્થળ બનાવવાનો છે. તેમ કહેતા મંત્રીશ્રીએ, ગુજરાત સતત ‘વર્લ્ડ ટુરિઝમ મેપ’ પર ચમકતું અને ધબકતું રહે એ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.પ્રકૃતિ, સંસ્કૃતિ, અને રીમઝીમ વરસતા વરસાદના ત્રિવેણી સંગમ સમા આ કાર્યક્રમમાં પધારેલા પર્યટકોને દંડકારણ્યની પાવન ભૂમિ પર આવેલા અન્ય તીર્થ સ્થળોની મુલાકાતની સાથે સાથે, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘સરસ’ મેળાની મુલાકાત લઈ, મહિલા સશક્તિકરણનાં કાર્યને પ્રોત્સાહિત કરવાની જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ અપીલ કરી હતી.પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં રાજ્ય આદિજાતિ, ગ્રામ વિકાસ, શ્રમ રોજગાર મંત્રી શ્રી હળપતિએ, ડાંગ જિલ્લાના સર્વાંગીણ વિકાસ અને પ્રશ્નોના નિરાકરણ માટેની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ભારતની પુણ્ય ભૂમિનો જયકારો લગાવતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, દંડકારણ્ય ભૂમિ પર આયોજિત ‘મેઘ મલ્હાર પર્વ’ ની, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભકામનાઓ પણ આ કાર્યક્રમને પ્રાપ્ત થઈ છે, તેમ જણાવ્યું હતું. શ્રી પટેલે વરસાદી વાતાવરણની મર્યાદાઓને કારણે, મુખ્યમંત્રીશ્રી સાપુતારા પધારી શક્યા નથી તેમ જણાવી, ડાંગના વિકાસ માટે સતત ચિંતિત રાજ્ય સરકારની વિભાવના સ્પષ્ટ કરી હતી.ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસની પથરાયેલી ચાદર વચ્ચે રીમઝીમ રીમઝીમ વરસતા વરસાદમાં, પ્રવાસન મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને ‘મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’ નો પ્રારંભ કરાવ્યો હતો. ટુરિઝમ કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું પુષ્પ, અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત કર્યું હતું.ઉલ્લેખનિય છે કે, ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ, રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તા.૨૯ જુલાઈ થી ૨૮ ઓગસ્ટ, એમ એક માસ માટે ‘મોન્સૂન ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કર્યું છે. સને ૨૦૦૯ થી શરૂ કરાયેલા ‘મોન્સુન ફેસ્ટિવલ’ નો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ઉપર મુજબ તેમના વિચારો રજૂ કર્યા હતા.તે અગાઉ પ્રવાસન નિગમની હોટેલ તોરણ ખાતેથી, રંગબેરંગી પરેડ અને ભવ્ય શોભયાત્રાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, કલાકારો, મનોરંજક પાત્રો, અલગ અલગ વેશભૂષામાં સજજ કલાકારો, ડાંગી આદિવાસી નૃત્ય, તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. જ્યારે ‘મેઘ મલ્હાર પર્વ’ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી ‘રેઇન રન મેરેથોન’ને પણ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું.સાપુતારા આવતા પ્રવાસીઓ, ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે, અને સ્થાનિક કલાકારોને પણ રોજગારી મળી રહે તે હેતુથી, કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર-શનિ-રવિ એમ જાહેર રજાના દિવસે, તેમજ સાપુતારાના મુખ્ય સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ ‘દહીં હાંડી’ કાર્યક્રમનું પણ અહી, ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને ડાંગ જિલ્લાના આજુ બાજુમાં આવેલા ૧૮ જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો પણ જોવા, જાણવા, અને માણવા મળશે. જેમાં ઇકો ટુરીઝમ કેમ્પ સાઈટ મહાલ-કીલાદ અને દેવિનામાળ, ગીરા અને ગીરમાળ ધોધ, પૂર્ણા વન્યજીવ અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્ક, શબરી ધામ અને પંપા સરોવર, પાંડવ ગુફા અને અંજની કુંડ, ડોન હિલ, માયાદેવી જેવા નૈસર્ગિક પર્યટન સ્થળોની મુલાકાતનો પણ અવસર મળી રહેશે.ગિરિમથક સાપુતારામાં સ્થાનિક પ્રવાસન પોઈન્ટ એવા ઇકો પોઇન્ટ, વન કવચ, રોઝ ગાર્ડન અને સ્ટેપ ગાર્ડન, આર્ટિસ્ટ વિલેજ, સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ, ગવર્નર હિલ, શ્રી ગણેશ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર અને સાઈ મંદિર, જૈન ટેમ્પલ અને સ્વામિનારાયણ મંદિર, સાપુતારાનું હાર્દ કહી શકાય તેવું તળાવ, આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી કરાવતું સંગ્રહાલય અને માહિતી ખાતાનું પ્રદર્શન કેન્દ્ર પણ જોવા મળશે.
માસ દરમિયાન અહી પર્યટકો માટે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વારલી આર્ટસ, હેન્ડીક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ આયોજિત કરાશે. સાપુતારાનું આહલાદક વાતાવરણ અને અહીંનું કુદરતી સૌંદર્ય, હરહંમેશથી પ્રવાસીઓની પ્રથમ પસંદગી રહ્યું છે. રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજિત ‘મોન્સૂન ફેસ્ટિવલ’ સહિતના અનેકવિધ ઉત્સવોની ફળશ્રુતિરૂપે, અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૨માં સમગ્ર વર્ષ દરમિયાન અહી અંદાજે ૮.૧૬ લાખ, જ્યારે વર્ષ ૨૦૨૩માં સાપુતારા ફેસ્ટિવલમાં ૨.૪૪ લાખથી વધુ, અને સમગ્ર વર્ષ દરમિયાન કુલ ૧૧.૧૩ લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી. આમ, સાપુતારાના વિવિધ ફેસ્ટિવલોમાં, પ્રવાસીઓના આવાગમનના પરિણામે, ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં સ્થાનિક રોજગારીની સાથે સાથે આવકના સ્ત્રોત પણ વધ્યા છે. જેથી તેમના જીવન સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થવા પામ્યો છે.
ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા સાપુતારામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૦૦ ઇંચ જેટલો વરસાદ પડે છે. જેથી આ પ્રદેશમાં કુદરતી વનરાજી સોળે કલાએ ખીલી ઉઠે છે. જે રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓને વિશેષ રીતે આકર્ષિત કરે છે. ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, દરિયાની સપાટીથી લગભગ ૧૧૦૦ મીટરની ઉંચાઈએ આવેલું છે. ગુજરાત ટુરીઝમ દ્વારા સાપુતારાન બગીચા, બોટ ક્લબ, મોલ રોડ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતા આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ સાથે જ, પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે, ડાંગમાં આવેલા ગુજરાતના પ્રખ્યાત ગીરા અને ગીરમાળ ધોધ ઉપર પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે. મોન્સુન ફેસ્ટિવલ ના ઉદઘાટન કાર્યક્રમમાં પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતે મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી એસ. છાકછુઆકે આભાર દર્શન કર્યું હતું.સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલ ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડાંગ કલેકટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા સહિત, દેશ વિદેશના પ્રવાસીઓ, જિલ્લા અધિકારીઓ, પ્રવાસન નિગમના અધિકારીઓને, સાપુતારા અને ડાંગના નગરજનો, મીડિયા કર્મીઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.