કચ્છના મુન્દ્રામાંથી ફરી એક વખત કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મુન્દ્રા પોર્ટ ઉપર કસ્ટમે 110 કરોડની કિંમતનું ફાઇટર ડ્રગ્સ (ટ્રામાડોલ ટેબ્લેટ) જપ્ત કર્યું છે. મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ થઇ રહેલા જથ્થાને કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું હતું.
કસ્ટમ વિભાગે મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ માટે જઇ રહેલા બે કન્ટેનરને અટકાવ્યા હતા અને તેની તપાસ કરતા તેમાંથી 110 કરોડની કિંમતના ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.
માદક દ્રવ્યોની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ 1985 અંતર્ગત એપ્રિલ 2018થી આ દવાની ભારતમાં આયાત-નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયેલો છે.
બન્ને કન્ટેનરમાંથી 25 મિલિગ્રામની એક ટેબ્લેટની કૂલ 68 લાખની ટેબ્લેટ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. રાજકોટની પેઢી દ્વારા ડાઇક્લોફેનેક ટેબ્લેટ અને જેબેડોલ ટેબ્લેટની આડમાં ટ્રામાડોલની ગોળીઓ આફ્રિકાના સીએરા લીઓન અને નાઇજર દેશમાં નિકાસ કરવામાં આવતી હતી.
કસ્ટમ વિભાગને તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ટ્રામાકિંગ 225 અને રોયલ 225 બ્રાન્ડ નેમની ટ્રામાડોલની ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.