સુરતમાં 50 વર્ષની ઉંમરના હનુમાન મંદિરના પૂજારી વંદન વ્યાસે કઝાકિસ્તાનમાં આયોજિત 11મું વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે. ખભામાં ઇન્જરી હોવાથી તેઓએ સર્જરી કરાવી હતી. ડોક્ટરે વજન ઊંચકવાની ના પાડી હોવા છતાં તેમણે સખત મહેનત કરી અને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો છે. વંદન વ્યાસનો પરિવાર 400 વર્ષથી રોકડિયા હનુમાન મંદિરમાં પૂજારી તરીકે સેવા કરે છે. વંદન વ્યાસ આ મંદિરમાં પૂજાવિધિના કામકાજ આટોપીને રોજ 4 કલાક વેઇટલિફ્ટિંગની જીમમાં પ્રેક્ટિસ કરે છે. શહેરની જ એક જીમ ‘જીમનેશન’માં સતત 3 મહિના સુધી ફિટનેશ કોચીસ પ્રદીપ મોરે અને જીતેશ જાવરે પાસેથી વેઇટ લિફ્ટિંગની ટ્રેનિંગ મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
તેઓ અગાઉ હૈદરાબાદમાં 10મી વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ એન્ડ ઈન્કલાઈન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં માસ્ટર-2(76 કિલો) કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના ગુજરાત સિવાય અનેક રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. થોડાક મહિના પહેલા ઉદયપુરમાં થયેલ ચેમ્પિયનશિપમાં પૂજારી વંદન વ્યાસ ઈજાગ્રસ્ત થયા હતા. તેમના ખભા પર ઈન્જરી થઈ હતી. 7 મહિના અગાઉ તેમના ખભામાં સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરે તેમને વજન ઊંચકવાની ના પાડી હતી. તેમ છતાં વંદન વ્યાસે અથાક મહેનત કરી અને હનુમાનજી ભગવાનના આશીર્વાદથી આ સિદ્ધિ મેળવી છે. વંદન વ્યાસ આ સિદ્ધિનો શ્રેય હનુમાનજી ભગવાનને આપે છે. હાલ પણ તેમની ફિઝીયોથેરાપી ચાલી રહી છે. તેમ છતાં કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓએ ભાગ લઈ દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પૂજારી વંદન વ્યાસે જણાવ્યું હતું કે, કઝાકિસ્તાનમાં ઈન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી. એની અંદર મને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા છે. ઈનક્લાઈન બેંચમાં ગોલ્ડ મેડલ, સ્ટેન્ડ 15માં સિલ્વર મેડલ મળ્યો છે. કઝાકિસ્તાનના જ જે હરીફ હતા તેમને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સિલ્વર મેડલમાં પણ કઝાકિસ્તાનના જ હરિફને હરાવ્યા છે. આની અંદર 9 દેશમાંથી બધા ખેલાડીઓ આવ્યા હતા. આશરે 190 ખેલાડીઓ હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું રોજ સવારે મંદિરમાં હનુમાનજી મંદિરમાં પ્રભુની પૂજા-અર્ચના કરું છું. ત્યારબાદ અન્ય જગ્યાએ પૂજા વિધિના કાર્યક્રમમાં પણ ભાગ લઉં છું. ત્યારબાદ સાંજે જીમમાં જઈને પ્રેક્ટિસ કરું છું. મને ડોક્ટરે વજન ઊંચકવાની ના પાડી હતી. જો કે, હનુમાનજીના આશીર્વાદથી હું ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતવાની આ સિદ્ધિ મેળવી શક્યો છું. હું આવનારા દિવસોમાં આવી જ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો છું.