લુણાવાડામાં ભાજપના કોર્પોરેટરને પોલીસ સ્ટેશનમાં માર મારનાર ભાજપના કાર્યાલય મંત્રીને જેલની સજા થઈ છે. તેની આખા રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે તેણે પોતાના જ પક્ષના ચૂંટાયેલા નેતાને પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હોવા છતાં પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે તેમના હોદ્દા પર ચાલુ રાખ્યો હતો.
મહિસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાએ જેતે સમયે ભાજપના જ કોર્પોરેટર (હાલ પૂર્વ કોર્પોરેટર)ને પોલીસ મથકે જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો.
કેસમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાને લુણાવાડા ટ્રાયલ કોર્ટે એક મહિનાની સજા અને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મહીસાગર જિલ્લા ભાજપમાં ગુનેગારને પક્ષ સાચવી રહ્યો હોવાથી સોંપો પડી ગયો હતો.
જેલની સજા થઈ અને તેમની સામે પોલીસે ગુનો નોંધ્યો ત્યારથી આજ સુધી તેને સી આર પાટીલે હોદ્દા પર ચાલુ રાખ્યો છે. તેથી ગુજરાતમાં પાટીલ સામે ભારે નારાજગી ઊભી થઈ છે. કાર્યકરો કહી રહ્યાં છે કે કોંગ્રેસ કરતાં પણ ખરાબ નીતિ ભાજપની હવે થઈ ગઈ છે. ભાજપમાં ક્રાઈમ વધી રહ્યો છે. કાર્યકરો કહી રહ્યાં છે કે, સૌનો સાથ, બળાત્કાર લૂંટ મારામારી અપહરણ ગુંડાગીર્દી ભ્રષ્ટાચાર તોડબાજીનો વિકાસ થયો છે. દેશપ્રેમીની વાતો કરી 32 વર્ષથી ગુજરાતમાં સત્તા મેળવી છે. હવે તે ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીમાં ફેરવાઈ ગઈ છે.
ત્યારે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાના ખાસ કહેવાતા જીગર પંડયાનું બીજેપી રાજીનામું લે છે કે કેમ એ જોવાનું રહ્યું.
લુણાવાડા નગરપાલિકાના કોર્પોરેટર જીજ્ઞેશકુમાર મોતીલાલ પંડયા તેમના મિત્રને જીગર ભરતભાઈ પંડયા વિરુદ્ધ ફરિયાદ આપવાની હોવાથી લુણાવાડા પોલીસ મથકે સાથે ગયા હતા. તે દરમ્યાન પોલીસ સ્ટેશનમાં પોલીસ અને અન્ય મિત્રોની હાજરીમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયા આવી ચઢ્યા હતા અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા.
બાદમાં પોલીસ મથકે જ કોર્પોરેટર જીજ્ઞોશ પંડયા સાથે મારામારી કરતા જીગર પંડયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. લુણાવાડા ટ્રાયલ કોર્ટમાં ખટલો ચાલ્યો હતો. પંચો અને સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાને કોર્ટે 1 મહિનાની સજા કરવામાં આવી હતી. 1 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. દંડ ન ભરે તો 10 દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી.
3 એપ્રિલ 2022માં જીગરને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જિલ્લા પ્રભારી બનાવાયા હતા. જીગરને નરેન્દ્ર મોદીએ જાહેરમાં સન્માન કર્યા હતા. ચંદ્રકાંત પાટીલ પણ તેને ટેકો આપી હોદ્દેદાર બનાવતા રહ્યા હતા. અમિત શાહને તેની સાથે સારા સંબંધો હતા. પસરોત્તમ રૂપાલા તેને જાહેરમાં અભિનંદન આપતા હતા. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જીગરને તેની કચેરીએ મળતા હતા.
11 વર્ષ પહેલાં નવો મહીસાગર જિલ્લો બન્યા બાદ ભાજપા દ્વારા પ્રમુખ તરીકે જયપ્રકાશ પટેલની વરણી કરવામાં આવી હતી. હોદેદારોની જાહેરાત 3 મહિના ઘોંચમાં પડી હતી. પછી મહામંત્રી તરીકે દશરથ બારીયાની નિમણૂક કરાઈ હતી. યુવા મોરચાના પ્રમુખ તરીકે જયેન્દ્ર બારોટ અને મહામંત્રી તરીકે જીગર પંડયાની નિમણૂક કરાઈ હતી.