ગુજરાતના પાટણની એક અદાલતે એક ગામમાં મુસ્લિમોનો આર્થીક બહિષ્કાર કરવાની હાકલ કરવા બદલ અનેક લોકો સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ લોકો પર જુલાઈ ૨૦૨૩માં રમખાણો બાદ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ કરવાનો આરોપ છે.
બાલીસણા ગામમાં ઘણા મુસ્લિમોએ પોતાની આજીવિકા ગુમાવી દીધી છે અને કેટલાક લોકોએ ગામ છોડી દીધું હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ મેજિસ્ટ્રેટ એચપી જોશીએ પોલીસને આ સંદર્ભે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
એક અહેવાલ અનુસાર,આ કેસ એક ગ્રામીણ, મકબૂલ હુસૈન શેખના ચોક્કસ આરોપો પર આધારિત હતો, જેમણે દાવો કર્યો હતો કે પોલીસે તેમની ફરિયાદ પર કોઈ ધ્યાન આપ્યું નથી. મેજિસ્ટ્રેટ જોશીએ પોલીસને નફરત અને સાંપ્રદાયિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ગુનાહિત ષડયંત્ર અને સામાન્ય કાર્યસૂચિને આગળ વધારવા સંબંધિત કલમો હેઠળ આ સંબંધમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે બાલીસણા ગામમાં ૧૬ જુલાઈ, ૨૦૨૩ના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ શેખે ૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ પાટણ એસપીને તેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક વીડિયોમાં પટેલ જાતિના કેટલાક લોકો અન્ય ગ્રામજનોને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરતા જોવા મળ્યા હતા. શેખના જણાવ્યા મુજબ, પટેલોએ મુસ્લિમોને ગામની બજારમાં ભાડે આપેલી દુકાનોમાંથી બહાર કાઢવા માટે તેમના કરારને સમાપ્ત કરીને આર્થિક બહિષ્કારની હાકલ કરી હતી.
પોલીસે તેમની ફરિયાદ ન સાંભળ્યા પછી, શેખે કથિત ઉશ્કેરણીજનક વિડિયોના આધારે દુશ્મનાવટ અને આઇટી એક્ટને લગતી કલમો હેઠળ એફઆઈઆરની માંગણી સાથે પાટણ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે બાલીસણા પોલીસને તપાસનો આદેશ આપતાં પોલીસે કેસ બંધ કરવાની ભલામણ કરી હતી. પોલીસે આરોપીઓના નિવેદનો રજૂ કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ મુસ્લિમોના બહિષ્કારનું આહ્વાન કર્યું હતું કારણ કે મુસ્લિમોએ “શાંતિને ખલેલ પહોંચાડી હતી અને ફરીથી અશાંતિ સર્જવાની શક્યતા હતી”.
આરોપીએ દલીલ કરી હતી કે તેણે ગ્રામજનોને કેટલાક ભાડા કરાર રદ કરવા માટે પણ સૂચન કર્યું હતું, પરંતુ તેણે ક્યારેય કોઈ દુકાન-માલિકને મુસ્લિમ ભાડૂતોને બહાર કાઢવા દબાણ કર્યું નથી. જો કે, ફરિયાદીના વકીલ યુસુફ શેખે કેટલાક મુસ્લિમોના નિવેદનો રજૂ કર્યા હોવાથી કોર્ટે પોલીસ રિપોર્ટ પર વિશ્ર્વાસ કર્યો ન હતો. આ નિવેદનોમાં કહેવામાં આવ્યું છે કે બહિષ્કાર બોલાવવામાં આવ્યો ત્યાં સુધીમાં તેઓએ તેમની આજીવિકા અને દુકાનો ગુમાવી દીધી હતી.