રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેના મળતીયાને 20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા 50 લાખની લાંચ માંગી હતી. જે રકઝક અંતે 20 લાખ આપવાનું નક્કી થયું હતું. એસીબીની ટીમે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતીયા આશિષ પટેલને ઝડપી લીધા હતા.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવી હતી. જેથી મકાનો/દુકાનોના ભાડુઆતો તથા ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જેમાં તેઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો AMC દ્વારા વ્યવસ્થા કરી આપશે. જેથી ફરીયાદીએ ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશીષ પટેલને મળ્યા હતા.
આશિષ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (TDO) હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી. હર્ષદ ભોજકે કામગીરી કરવા માટે 50 લાખ લાંચની માગણી કરી અને આરોપી આશીષને 10 લાખ આપવાની વાત કરી હતી. જેથી ફરીયાદીએ રકઝક કરતા 20 લાખ આપવાના નક્કી થયા હતા. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઇ ACBનો સંપર્ક કરતાં ટીમે આશ્રમ રોડ પર ચિનુભાઈ ટાવરમાં અક્ષર સ્પેસ ઇન્ટરેસ્ટર પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં લાંચના છટકાનું આયોજન ગોઠવ્યું હતું. બંનેને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા.