ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નિર્મણાધીન કે નવનિર્મિત રસ્તાઓ અને બ્રિજમાં ગાબડા પડવાની અને ખાડા પડવાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બનાવ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડીમાં સાડા નવ કરોડના ખર્ચે બની રહેલા પેડેસ્ટલ બ્રિજનો પીલર ખાડીમાં આવેલા પાણીના કારણે ઉખડી જતા કામની ગુણવત્તાને લઈ ગંભીર સવાલ ઉઠ્યા છે. જો આ બ્રિજ બની ગયા બાદ આ પ્રકારની ઘટના બની હોતો તો?, સ્થાનિકો દ્વારા આ સવાલ ઉઠાવી આ મામલે યોગ્ય તપાસની માગ કરવામાં આવી રહી છે.
સ્વભાવિક છે કે, જે ખાડીમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તે ખાડીમાં પાણી આવવાનું જ છે. તેને ધ્યાનમાં રાખીને જ આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં જે ખાડીમાં આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં પાણી આવતા બ્રિજ માટે જે ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું તે જ ધોવાઈ જતા બે પીલર ઉખડી ગયા હતા અને એપ્રોચ બાંધકામના ટેકે અટકી ગયા હતા.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે GEBના સબસ્ટેશન પાસે 126 મીટર લાંબો અને સાડા પાંચ મીટર પહોળો વલસાડ આર એન્ડ બીના નિરીક્ષણ હેઠળ સોના બિલ્ડર નામની એજન્સી આ પેડેસ્ટલ બ્રિજ 9.50 કરોડના ખર્ચે બનાવી રહી છે. અમદાવાદના સાબરમતી નદી ઉપર નિર્માણ પામેલા અટલ બ્રિજની પેટર્ન ઉપર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દરિયા કિનારા ટુરિઝમ વિકસાવવા માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નદીનું વહેણ અટકાવી નદી ઉપર નિર્માણ પામી રહેલા પેડેસ્ટલ બ્રિજની કામગીરી ચાલી રહી છે. જે દરમયન નદીમાં કરેલા પુરાણમાં ધોવાણ થતા પેડેસ્ટલ બ્રિજનો એક પોલ જમીનમાં ઉખડી ગયો હતો. જેને લઈ સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
બ્રિજનો પીલર ઉખડી જવા મામલે પારડી નગરપાલિકાના વિપક્ષી સભ્ય બિપીન પટેલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં અવારનવાર બ્રિજમાં ગાબડા પડવા કે પીલર તૂટવાન બનાવ બને છે. ઉમરસાડી પાસે કરોડોના ખર્ચે બની રહેલા બ્રિજનો પીલર ધસી પડ્યો છે. જેમાં નર્યો ભ્રષ્ટાચાર છે.
વલસાડ R & Bના અધિકારી જતીન પટેલે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, બ્રિજની કામગીરી માટે નજીકમાં પાણીને ડાઈવર્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ, વરસાદ અને ભરતીના કારણે પાણી આવી જતા બ્રિજનોજે પીલર હતો તે ખેંચાયો હતો.
સુરેન્દ્રનગરના લીંબડી પાસે રાજકોટ-અમદાવાદ હાઈવે પર નવા જ બનેલા ઓવરબ્રિજ પર આઠ દિવસ પહેલા ગાબડુ પડતા બ્રિજના સળીયા દેખાવા લાગ્યા હતા. તંત્ર દ્વારા તાબડતોડ એક તરફનો વાહનવ્યવહાર બંધ કરી ગાબડાને પૂરવાનું કામ કર્યું હતું. નવા જ બનેલા બ્રિજમાં ગાબડુ પડતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.
દ્વારકાના સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ)નાં પાંચ મહિનામાં જ પોપડાં ઊખડ્યા હતા.અંદાજે 978 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા દેખાયા હતા.અમુક જગ્યાએ સાઈડની દીવાલમાં પ્લાસ્ટર ઊખડી ગયેલું જોવા મળ્યું હતું. આ ઉપરાંત અમુક જગ્યાએ રેલિંગને પણ કાટ લાગી ગયો છે. આ અંગેની તસવીરો બહાર આવતાં જ હોબાળો મચી ગયો હતો અને કલેક્ટરથી લઈને સાંસદ સુધી દોડતા થઈ ગયા હતા.