વિદેશ મોકલવા માટે કૉચિંગ ક્લાસ શરૂ કરવા માટે લીધેલી લોનના બદલામાં એક શિક્ષિત મહિલાને પોતાની ઈજ્જત ગુમાવવાનો વારો આવ્યો હોવાનો બનાવ શહેરના માંજલપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ વિદેશ મોકલવા માટેના કૉચિંગ ક્લાસ શરૂ કરવા માટે વિક્રાંત દીક્ષિત નામના યુવક તેના પિતા અને પત્ની પાસેથી લોન લીધી હતી.
જો કે કોરોના કાળ દરમિયાન મહિલાને આર્થિક તંકી ઉભી થતાં આરોપી વિક્રાંતે ઉછીના નાણાં પરત લેવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. જો કે મહિલા નાણા ના ચૂકવી શકતાં વિક્રાંતે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ.
આટલું જ નહીં, વિક્રાંતે લોન એજન્ટ તરીકે કામ કરતાં પોતાના મિત્ર રાજેશ અગ્રવાલ સાથે પીડિત મહિલાનો સંપર્ક કરાવ્યો હતો. જેથી રાજેશે પોતાના અન્ય એક મિત્ર પ્રમોદ અગ્રવાલ પાસેથી મહિલાને વધુ એક લાખ રૂપિયા ઉછીના અપાવ્યા હતા.
જે બાદ આરોપી રાજેશે પીડિતાને પોતાની ઑફિસમાં લઈ જઈ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતુ. રાજેશ પીડિતાને વારંવાર ધમકી આપો અલગ-અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. જેના કારણે પીડિતાને ગર્ભ રહી જતાં રાજેશે રાવપુરાની હોસ્પિટલમાં ગર્ભપાત પણ કરાવ્યો હતો.
આ દરમિયાન રાજેશની ચુંગાલમાંથી બહાર નીકળવા તેમજ નાણાંકીય સહાય માટે પીડિતાએ તેના જ કલાસમાં આવતા એક ગ્રાહક યજ્ઞેશ દવે પાસેથી વ્યાજે રૂપિયા લીધા. જે બાદ યજ્ઞેશ દવેએ પણ પીડિત મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સયાજીગંજ પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે આરોપી યજ્ઞેશ દવેની ધરપકડ કરી છે.
વડોદરા ACP એ-ડિવિઝન ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, વ્યાજખોર ત્રિપુટીની હવસનો શિકાર બનેલ પીડિતા વિરુદ્ધ સયાજીગંજ પોલીસ મથકે ભરૂચના ભુપેન્દ્ર મકવાણાએ 22 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પીડિતાએ હાઇકોર્ટમાંથી એક મહિના પહેલા જ આગોતરા જામીન લીધા હતા. જે બાદ પીડિત મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સહિત 19 વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી અને દુષ્કર્મની ફરિયાદ નોંધવા અરજી આપી હતી, જે અરજીની પ્રાથમિક તપાસ કર્યા બાદ સયાજીગંજ પોલીસે 4 ઓગસ્ટે ત્રણે હવસખોરો વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો
પોલીસે આરોપી યજ્ઞેશ દવેને દબોચી લઇ કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જયારે અન્ય બે આરોપી હજુ પોલીસ પકડથી દૂર હોય પોલીસે બને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વની વાત છે કે પોલીસને આશંકા છે કે નાણાકીય લેવડ દેવડમાં મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોઈ શકે છે.
મહત્વની વાત છે કે, પીડિત મહિલાએ ત્રણ શખ્સો સામે જે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. તેમાં આરોપી રાજેશ અગ્રવાલ કરાટેનો આંતરરાષ્ટ્રીય કોચ છે. અનેક દેશોમાં તેને જ્યુરી તરીકે પણ કામ કર્યું છે. તેમજ કરાટેની ટુર્નામેન્ટમાં અનેક યુવક અને યુવતીઓને તે લઇ પણ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી રાજેશ અગ્રવાલ અને વિક્રાંત દીક્ષિત હજી પોલીસ પકડથી દૂર છે, આરોપી પકડાયા બાદ જ વધુ હકિકત પરથી પર્દાફાશ થશે.