લાંચિયા અનિલ મારૂને લઈ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, અનિલ મારૂ ભુજ નગરપાલિકા ફિક્સ પગારે લાગ્યા ત્યારે પણ કૌભાંડ આચરવામાં આવતું હતું, અનિલ મારૂને ફિક્સ પગાર 2500ને બદલે 5000 રૂપિયા ચૂકવવામાં આવતા. ઓડિટમાં ભૂલ થતા અનિલ મારૂને જાણ કરવામાં આવી પણ ભાઈએ કોઈ જ જવાબ ન આપ્યો. અનિલ મારૂ 4 વર્ષ 2500ને બદલે 5000 રૂપિયા પગાર લીધો હતો.
NOCના બદલામાં કેટલા લોકો પાસેથી લાંચ લેવાઈ એ દિશામાં તપાસ શરૂ અક્રવામાં આવી છે. ત્યારે હવે અનિલ મારૂએ જેટલા લોકોને NOC આપી, એ તમામને તપાસ માટે બોલાવાયા છે. 43 દિવસમાં તપાસ માટે 139 લોકોને ACBનું તેડું આવ્યું છે. તમામની પૂછપરછ બાદ લાંચિયા અધિકારીના તમામ ગુનાનો પર્દાફાશ થશે.
અનિલ મારૂ હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. અનિલ મારૂને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યો છે. હવે રાજકોટમાં લાંચિયા અધિકારીની તપાસમાં અનેક ઝપેટમાં આવી ગયા છે. અનિલ મારૂ 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. ત્યારે હવે અનિલ મારૂએ જેટલા લોકોને NOC આપી, એ લોકોની પુછપરછમાં અધિકારીએ કરેલી કરતૂતોનો પર્દાફાશ થશે. ACB દ્વારા કેટલા લોકો પાસેથી લાંચ લઈને અનિલ મારૂએ NOC આપી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ અનિલની ભરતી ગેરકાયદેસર રીતે થઈ હોવાનો ખુલાસો થયો હતો. માત્ર 12 પાસ અનિલ મારૂ ક્લાસ 1 ઓફિસર બની ગયો હતો. ભરતી સમયે અનિલ મારૂની ઉંમર 25ની જગ્યાએ 22 વર્ષ હોવા છતાં ભરતી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, 2015થી અનિલ મારૂને કાયમી કરાયો હતો. ભુજ પંથકના મોટા માથાઓને ઇશારે ભરતી કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે અનિલ મારૂના ભાઇ-ભાભી પણ ACBના સંકજામાં આવી ચૂક્યા છે. રાજકોટ TRP અગ્નિકાંડ બાદ મારૂની રાજકોટમાં બદલી કરાઈ હતી.
જો કે 3 જૂન 2024ના રોજ ભુજ ઓડિટ વિભાગે અનિલ મારૂની શંકાસ્પદ ભરતીની માહિતી સરકારને આપી હતી. ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ કરવા સરકારને પત્ર લખ્યો હતો. આમ છતાં સરકારે તેની બદલી રાજકોટ કરી હતી. અનિલ મારૂને લઇને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે સરકારે જાણ હોવા છતાં આંખ આડા કાન કર્યા હોવાનું જણાઈ રહ્યું છે.