આજના જમાનામાં મહિલાઓ ગમે એટલું ભણી લે અને પગભર થઈ જાય પરંતુ અમુક સામાજીક દુષણો ક્યારેય તેમનો પીછો નહીં છોડે. આવો જ એક કિસ્સો હાલ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ સાસરિયાઓએ લોકરમાં દાગીના મૂકવાનું કહીને બધો સામાન પચાવી પાડ્યો હતો. આટલું જ નહીં મકાન લીધા બાદ પરિણીતા પાસે સાસુએ આખો પગાર માંગ્યો હતો.
પરિણીતાની નણંદ શ્રીમંત કરીને પિયરમાં આવી ત્યારે પરિણીતાનો સામાન બાજુના ઘરમાં મૂકીને તેને પિયરમાં મોકલી દીધી હતી.
બનાવની વિગતો જોઈએ તો, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2021માં તેણે વડોદરાના યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેના પતિ સાથે ગોતા ખાતે રહેતી હતી. સાસરિયાઓએ લગ્નમાં આવેલા દાગીના લોકરમાં મુકવાનું કહીને પડાવી લીધા હતા. પરિણીતાને નોકરીમાં રજા હોય ત્યારે સાસુ-સસરા વડોદરા લઈ જઈને મકાનની સાફ-સફાઈ કરાવી ત્રાસ આપતા હતા.
લગ્નના એક માસ બાદ પતિએ બારોબાર પરિણીતાનો ફોન વેચી દઈને ઝગડો કર્યો હતો. સાસુએ પણ મકાન લીધુ હોવાથી આખો પગાર માંગીને ત્રાસ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું. જો પરિણીતા પગાર ન આપે તો તેને છૂટાછેડા આપી દેવાની ધમકી આપવામાં આવતી હતી.
પરિણીતાની નણંદ શ્રીમંત પ્રસંગ કરીને તેમના ઘરે આવી હતી, જોકે તેને ગર્ભાવસ્થા દરમિયાન તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરી હતી. જેને રજા આપ્યા બાદ તેના સાસુ-સસરાએ તેને કહ્યું હતું કે મારી દીકરીને એસી વગર નહીં ચાલે એટલે હવે એસી લગાવવું પડશે એમ કહીને સામાન બાજુના ઘરમાં મૂકીને તેને પિયરમાં મોકલી દીધી હતી. પરિણીતાને પરત ન લઈ જઈ દાગીના અને સામાન પચાવી પાડતા આખરે આ મામલે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.