બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજસ્થાનના શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય તથા યુવાનોના લોકપ્રિય નેતા રવીન્દ્રસિંહ ભાટી બનાસકાંઠા જિલ્લામાં એક મંચ જોવા મળ્યા હતા. રવીન્દ્રસિંહ ભાટીના બનાસકાંઠાના પાલનપુર, ડીસા, લાખણી, વાવ અને દિયોદર વિધાનસભા બેઠક ઉપર પ્રવાસથી ભાજપનું ટેન્શન વધી ગયું છે.
ગેનીબેનના સાંસદ બન્યા પછી વાવ વિધાનસભા ચર્ચામાં છે કારણ કે નજીકના સમયમાં ત્યાં પેટાચૂંટણી યોજવાની છે. એવામાં સાંસદ ગેનીબેન અને રવીન્દ્રસિંહ ભાટી એક મંચ પર દેખાતા તેની અસર ચોક્કસથી વાવ વિધાનસભા પર થશે તેવું માનવમાં આવી રહ્યું છે.
બનાસકાંઠામાં રવીન્દ્ર ભાટીનો ઝંઝાવાતી પ્રવાસ જોવા મળ્યો, જ્યાં જ્યાં ગયા ત્યાં યુવાનોએ તેમને ઊંચકી તેમનું સ્વાગત કર્યું હતું. લાખણીમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે રાજકીય સફર દરમિયાન કરેલા સંઘર્ષનું વર્ણન કર્યું હતું. સાથે જ વાવ વિધાનસભામાં તેમણે સાંસદ ગેનીબેનની હાજરીમાં કાર્યક્રમમાં મોજૂદ રહ્યા હતા. ત્યાર બાદ લોકોને સંબોધન કરતા ભાટીએ જણાવ્યું હતું કે, નેતાઓ તો આવશે ને જશે, પણ જનતા જનાર્દનથી મોટું કોઈ નથી. જનતાના આશીર્વાદ મળ્યા છે જેના થકી પ્રદેશની સેવા માટે હું તત્પર રહું છું.
હવે આ પ્રવાસથી ભાજપનું ટેન્શન વધ્યું છે કારણ કે વાવ વિધાનસભામાં અત્યારથી કોંગ્રેસની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તેમાં પણ યુવાનોમાં લોકપ્રિય શિવ વિધાનસભાના બેઠકના અપક્ષ ધારાસભ્ય રવીન્દ્રસિંહ ભાટીનો પણ ગેનીબેનને સાથ મળતા કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે.