અમદાવાદમાં ગાયક વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. તેમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.જેમાં 13 લોકો સામે નામજોગ સહિત 50ના ટોળા સામે ફરિયાદ થઇ છે. ફરિયાદીને જીવથી મારી નાખવાની ધમકી મુદ્દે ફરિયાદ થઇ છે.
ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ. દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. અગાઉ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ આંતરિક વિખવાદના કારણે નારાજ થઇને AAP સાથે છેડો આપ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક દિવસથી રાજીનામું આપવા અંગે નિવેદન આપી રહ્યા હતા. જોકે બાદમાં તેમણે અંતે રાજીનામું આપી દીધું હતું. ત્યારે ગાંધીનગર કમલમ્ ખાતે વિજય સુવાળાને સીઆર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
વિજય સુવાળા ભાજપમાં જોડાતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે, વિજય સુવાળા ભાજપમાં પ્રવેશ કર્યો છે, તેમના કહેવા મુજબ જ ઘરવાપસીનો કાર્યક્રમ છે, તેઓ પોતાના ઘરે પાછા આવ્યા છે, તેઓ બીજી પાર્ટીમાં જોડાયા પહેલા પણ મને મળ્યા હતા, પરંતુ કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે તેમાં તેઓ કદાચ આવી ગયા અને મારો આ રસ્તો નથી, તે જે કલાકાર તરીકે લોકો તેમને ચાહે છે, તેમનામાં જે વિશ્વાસ મૂકે છે, તેમનો વિશ્વાસ ખૂટે છે તેવું લાગ્યું અને તેમણે પાર્ટીમાં પરત ફરવાનો પ્રસ્તાવ મૂક્યો અને અમે આવકાર્યા છે.