ભારતનો આ દૃઢ વિશ્વાસ છે કે કોઇ પણ સમસ્યાનું સમાધાન રણભૂમિમાં ના થઇ શકે. કોઇ પણ સંકટમાં માસુમ લોકોનો જીવનું નુકસાન માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. આપણે શાંતિ અને સ્થિરતા માટે ડાયલૉગ અને ડિપ્લોમસીનું સમર્થન કરીએ છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને પોલેન્ડ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ગાઢ સંકલન સાથે આગળ વધી રહ્યા છે. બંને દેશો સંમત છે કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા એ સમયની જરૂરિયાત છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત પોલેન્ડની કંપનીઓને Make in India And Make for the World સાથે જોડાવા માટે આમંત્રણ આપી રહ્યું છે. Fintec, Pharma, Space જેવા વિસ્તારમાં ભારતે અનેક સિદ્ધિ મેળવી છે. અમને આ વિસ્તારમાં પોતાનો અનુભવ પોલેન્ડ સાથે શેર કરવામાં ખુશી થશે.
પીએમ મોદીએ આ ટિપ્પણી યૂક્રેનના પાટનગર કીવના પ્રવાસ પહેલા કરી છે. વર્ષ 1991માં યૂક્રેનના સ્વતંત્ર થયા બાદ કોઇ ભારતીય વડાપ્રધાનનો આ દેશનો પ્રથમ પ્રવાસ હશે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીના આમંત્રણ પર યૂક્રેનનો પ્રવાસ કરી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે તે યૂક્રેનના નેતાઓ સાથે, સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન પર પોતાના વિચાર શેર કરશે. મોદીની કીવ યાત્રા મોસ્કોની તેમની યાત્રાના લગભગ છ અઠવાડિયા બાદ થઇ રહી છે. મોદીની મોસ્કો યાત્રાની અમેરિકા અને તેમના કેટલાક પશ્ચિમી સહયોગીઓએ ટીકા કરી હતી.