પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગઈકાલે રાત્રે પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો લૂંટારાઓએ કર્યો હતો, જેમણે પોલીસકર્મીઓ પર રોકેટ હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર પણ કર્યો હતો. હુમલામાં 11 પોલીસકર્મીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તેમને બંધક બનાવી લીધા છે.
આ હુમલો લાહોરથી લગભગ 400 કિમી દૂર રહીમ યાર ખાન જિલ્લામાં થયો હતો, જ્યારે મચાહ પોઈન્ટ પર બે પોલીસ મોબાઈલ વાન કાદવમાં ફસાઈ ગઈ હતી.
ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓ વાનને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે, જેઓ બંધક પોલીસ કર્મચારીઓને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માર્યા ગયેલા પોલીસ કર્મચારીઓના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
પંજાબ પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પોલીસના વાહનો કાદવમાં ફસાઈ ગયા હતા. જ્યારે તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, ત્યારે લૂંટારાઓએ રોકેટથી તેમના પર હુમલો કર્યો. હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ઘાયલ થયા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. હુમલા બાદ ગુનેગારો ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ તેઓએ કેટલાક પોલીસકર્મીઓને બંધક બનાવી લીધા હતા.
હુમલાની માહિતી મળતા જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ઘાયલોને રહીમ યાર ખાનની શેખ જાયદ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ હુમલાની કડક નોંધ લેતા પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આઈજી પોલીસ ડો. ઉસ્માન અનવરને ઘટનાસ્થળે પહોંચવા અને ગુનેગારો દ્વારા બંધક બનાવાયેલા પોલીસકર્મીઓને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.