રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગમાં મોટા ફેરફારો અને ભરતીપ્રક્રિયાની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયરબ્રિગેડના અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. મોટા ભાગના અધિકારીને કાઢી મૂકવા પાછળનું કારણ બોગસ સ્પોન્સરશિપથી નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને એના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનારા ત્રણ ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 જેટલા અધિકારીને મ્યુનિસિપલ કમિશનરે આજે શુક્રવારે બપોરે નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો હતો. ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના IR વિભાગ દ્વારા ફાઈનલ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. 10 દિવસમાં બોગસ સ્પોન્સરશિપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો નહોતો. સંતોષકારક જવાબ આપવામાં ન આવતાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
અયોગ્ય રીતે પ્રવેશ મેળવી ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી
અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ-ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી અન્ય સંસ્થાઓમાં નિમણૂક મેળવી ફરજ બજાવી અને તેના અનુભવના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. ગાંધીનગર અને અમદાવાદનો હવાલો સંભાળતા ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરે પણ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં સબ-ઓફિસર્સ કોર્સ, સ્ટેશન ઓફિસર અને ઈન્સ્ટ્રક્ટર્સ કોર્સ તથા ડિવિઝનલ ઓફિસર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેનો નિયત કરાયેલો અનુભવ મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી.
ફાયર સ્ટેશન ઓફિસર શુભમ ગઢવી, અનિરુદ્ધ ગઢવી, મેહુલ ગઢવી અને અભિજિત ગઢવીએ સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ ન્યૂ દિલ્હીની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ-ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. જ્યારે ફાયર ઓફિસર સુધીર ગઢવી અને સબ-ઓફિસર આસિફ શેખે કોશી હાઈડ્રો ઈલેક્ટ્રિક કોર્પો. લિ. માથેપુર બિહાર સ્થિત ખાનગી કંપનીની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ-ઓફિસરનું પ્રમાણપત્ર લીધું હતું, જેના આધારે તેમણે અમદાવાદ ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી હતી.
આ તમામ નવ અધિકારીની નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાંથી બોગસ સ્પોન્સરશિપ મેળવી પ્રવેશ મેળવ્યા બાદ તેના સર્ટિફિકેટના આધારે ફાયરબ્રિગેડમાં નોકરી મેળવી લીધી હતી. એ અંગે મ્યુનિસિપલ કમિશનરને આ મામલે ફરિયાદ મળી હતી. એને લઈને તેમની સામે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. વિજિલન્સ તપાસમાં તમામ આરોપો પુરવાર થતાં તેમને ફાઇનલ શો પોસ્ટ નોટિસ આપવામાં આવી હતી, જેનો જવાબ સંતોષકારક ન જણાતાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોવાનો ઓર્ડર કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.ફાયરબ્રિગેડમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે.જોકે એક તરફ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગની કામગીરી વધી ગઈ છે. અમદાવાદ ફાયરબ્રિગેડમાં સ્ટાફ ઓછો છે ત્યારે જો આ નવ અધિકારીને કાઢી મૂકવામાં આવશે તો આગ-અકસ્માતની ઘટનામાં નાગરિકોના જાનમાલને બચાવવા ફાયરબ્રિગેડ કેવી રીતે કામગીરી કરશે? ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં ચાર ડિવિઝનલ ફાયર ઓફિસરમાંથી ત્રણને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે તો માત્ર એક ડિવિઝનલ ફાયર ઓફિસરથી અમદાવાદમાં કેવી રીતે કામગીરી થશે. ફાયરબ્રિગેડમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે, પરંતુ હજી સુધી ભરતીપ્રક્રિયા પૂર્ણ થઈ નથી.
ફાયરબ્રિગેડમાં ભૂતકાળમાં ફરજ બજાવતા અધિકારીઓએ પોતાના હોદ્દાના દુરુપયોગ કરી પોતાનાં સંતાનો અને લોકોને બોગસ સ્પોન્સરશિપના આધારે નાગપુરની એનએફએસસી કોલેજમાં પ્રવેશ અપાવી દીધો હતો. વર્તમાન અધિકારીઓ વિરુદ્ધ વિવિધ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે. જેમને ચાર્જશીટ આપવામાં આવી છે તે પૈકી કેટલાક અધિકારીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ અગાઉથી કોર્ટમાં કેસ કર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે ફાયરબ્રિગેડ વિભાગમાં ત્રણ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત નવ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા મામલે જણાવ્યું હતું કે, જે અધિકારીઓએ બોગસ સ્પોન્સરશિપથી નાગપુર ફાયર કોલેજમાં પ્રવેશ મેળવી અને પ્રમાણપત્ર લીધા બાદ અમદાવાદ ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી છે. તેઓને જ્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ પર હાજર થયા ત્યારથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, ત્યાં સુધીના પગાર અને તમામ નાણાકીય લાભને વસુલ કરવા જોઈએ. તાજેતરમાં જ વર્ગ 1 અને વર્ગ 2માં અધિકારીઓની ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે શૈક્ષણિક અને અનુભવના સર્ટિફિકેટના ક્રોસ વેરિફિકેશન કરવા જોઈએ.
કાઢી મુકાયેલા અધિકારી
કૈઝાદ દસ્તુર ડિવિઝનલ ફાયર ઓફિસર
ઓમ જાડેજા ડિવિઝનલ ફાયર ઓફિસર
ઈનાયત શેખ ડિવિઝનલ ફાયર ઓફિસર
મેહુલ ગઢવી સ્ટેશન ઓફિસર
શુભમ ખડિયા સ્ટેશન ઓફિસર
અનિરુદ્ધ ગઢવી સ્ટેશન ઓફિસર
સુધીર ગઢવી સ્ટેશન ઓફિસર
અભિજિત ગઢવી સ્ટેશન ઓફિસર
આસિફ શેખ સબ-ફાયર ઓફિસર