10,448 કરોડ રૂપિયાનું ફંડ ક્યાં ગયું કે ક્યાં વપરાયું તેની કોઈ માહિતી સરકાર પાસે નથી અને સરકારે આવી કોઈ માહિતી કેગને પણ આપી નથી: સારા હેલ્થ સેન્ટર, સ્કૂલ, બસો વગેરે માટે વધુ 8000 કરોડ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આ પૈસા વપરાયા વગર પડ્યા રહી ગયા: કૈલાસદાન ગઢવી
આમ આદમી પાર્ટી કચ્છ જોન કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના કચ્છ જોન કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપે ફરી એકવાર લોકતંત્રની હત્યા કરી. ભાજપ સરકારે વિધાનસભામાં ચર્ચાના દિવસો ખૂબ જ ઓછા કરી દીધા. હાલ ફક્ત ત્રણ દિવસ માટે વિધાનસભા સત્ર યોજાયું હતું. અને છેલ્લા દિવસે સરકારે કેગનો રિપોર્ટ રજૂ કર્યો. સરકારી સંસ્થાઓ અને સરકાર કઈ રીતે પૈસા ખર્ચ કરે છે અને તેનો લોકોને કેવો અને કેટલો ફાયદો થઈ રહ્યો છે તેને પૂરી પારદર્શિતા સાથે કેગ સંપૂર્ણ રિપોર્ટ બનાવે છે. આ રિપોર્ટ વિશે ચર્ચા ન થઈ શકે માટે છેલ્લા દિવસે સરકારે કેગનો રિપોર્ટ રજૂ કર્યો.
સરકારે 3,732 સર્ટિફિકેટ ના આપવાના કારણે આજે 10,448 કરોડ રૂપિયાનું ફંડ ક્યાં ગયું કે ક્યાં વપરાયું તેની કોઈ માહિતી સરકાર પાસે નથી અને સરકારે આવી કોઈ માહિતી કેગને પણ આપી નથી. એવી જ રીતે 232 જુદા જુદા વિભાગોમાં 12,000 કરોડ રૂપિયા આપવા છતાં પણ આજ સુધી તેના કામ પુરા થયા નથી. અલગ અલગ કારણોસર આ કામના બજેટ વધી ગયા છે અને આ કામ પત્યા નથી. વિકાસના કામો માટે વધુ 8000 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેમાં બાળકોની સ્કૂલની ચોપડીઓ આપવાની હતી, સારા હેલ્થ સેન્ટર બનાવવાના હતા, સ્કૂલો બનાવવાની હતી, સારી બસો લાવવાની હતી, આ રીતના કામ માટે 8000 કરોડ રૂપિયા રાજ્ય સરકારે જુદા જુદા વિભાગોને ફાળવ્યા હતા પરંતુ આ પૈસા ક્યાંય વપરાયા વગર પડ્યા રહી ગયા. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યાર બાદ તેમણે દેશની મહત્વપૂર્ણ સરકારી કંપનીઓને વેચવાનું ચાલુ કર્યું જે કંપનીઓ દર વર્ષે બે થી અઢી લાખ કરોડનું ડિવિડન્ડ આપતી હતી. એની સામે ગુજરાતમાં 1,25,000 કરોડ રૂપિયાની સરકારના નિગમો અને સંસ્થાઓની જે કંપનીઓ છે તેમાં આજે ફક્ત 98 કરોડની આવક છે. મતલબ 0.08 ટકાનું રિટર્ન મળી રહ્યું છે અને તેની સામે સરકાર 6.77% વ્યાજ ભરી રહી છે. આ કઈ રીતનું મેનેજમેન્ટ છે. દર વર્ષે ડીસઈન્વેસ્ટમેન્ટના નામે દોઢ-બે લાખ કરોડની સરકારી કંપનીઓ વેચી. દિલ્હીમાં સરકાર ઓએનજીસી, આઇઓસી, એનટીપીસી, LIC જેવી કંપનીઓનું સરકાર ડીસઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને ગુજરાતમાં જે કરોડો રૂપિયાનું નુકસાન કરવા વાળી કંપનીઓ છે તેને બંધ નથી કરી રહ્યા. અમારો સવાલ છે કે સરકારને આ કંપનીઓમાં કેમ ઇન્ટરેસ્ટ છે? સરકારના અધિકારીઓને સરકારના લોકોને આમાં કમિશન ખાવા મળતું હશે, જેના કારણે આ નુકસાન કરનારી કંપનીઓ અને સરકારી નિગમો સરકાર ચાલુ રાખે છે અને દિલ્હીમાં આવક કરતી મોટી મોટી કંપનીઓને સરકાર વેચી રહી છે અને પૈસા ભેગા કરી રહી છે. અને જે કંપનીને વેચવાની જરૂર છે તેને સરકાર સાચવી રહી છે. આના પરથી સ્પષ્ટ પણે કહી શકાય કે જનતાના પૈસાનો દુરુપયોગ થઇ રહ્યો છે.