રાજસ્થાન-બનાસકાંઠાની સરહદ પર આવેલા સુંધામાતા તીર્થધામમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે પર્વત પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. જેના પગલે ટેકરી પર મંદિર સુધી જવાનો રસ્તો જળમગ્ન થયો છે.ભારે વરસાદથી સુંધાજી પર્વત પર ચાર લોકો ફસાયાની વિગતો સામે આવી છે.
પર્વતના પગથિયામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે. તો વિસ્તારમાં આવેલા જળાશયોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. પાણીના પ્રવાહમાં સ્થાનિકો ફસાયાની પણ વિગતો છે. ચાલુ વરસાદે માથા પર સામાન મુકી જીવ બચાવવા ભાગતા લોકો જોવા મળ્યા છે.
ભયંકર પાણીના પ્રવાહમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. તંત્રએ ફસાયેલા લોકોમાંથી યુવકને બચાવી લીધો. જ્યારે અન્ય બે લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. વહેલી સવારથી વરસેલા ભારે વરસાદથી સમગ્ર સુંધાજીને તરબોળ કરી દીધું છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા ભક્તો પણ હેરાન થયા છે. વરસાદના લીધે કોઈ દુર્ઘટના ન ઘટે માટે ડુંગર પર ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.