રાજસ્થાનના ખૈરથલ-તિજારા જિલ્લાના ભીવાડીના સેન્ટ્રલ માર્કેટમાં આવેલી કમલેશ જ્વેલર્સની દુકાનમાં કારથી આવેલા પાંચ બદમાશોએ ગોળીબાર કરીને લૂંટ ચલાવી હતી. ફાયરિંગ કર્યા બાદ બદમાશો દુકાનમાં ઘૂસી ગયા અને ત્યાં હાજર કર્મચારીઓ તેમજ માલિકની મારપીટ કરવા લાગ્યા.
આ દરમિયાન બદમાશોએ બંદૂકના બટથી હુમલો કર્યો અને દુકાનમાં રહેલા કર્મચારીઓને ઇજા પહોંચાડી. તેઓ દુકાનમાં રાખેલા દાગીના પણ કોથળામાં ભરીને ફરાર થઈ ગયા હતા. જ્યારે બહાર નીકળ્યા ત્યારે બદમાશોએ ગોળીબાર કર્યો જેના કારણે ગાર્ડ, જ્વેલર્સના માલિક કમલેશ સોની અને અન્ય એક વ્યક્તિને ગોળી વાગી. ઘાયલોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જ્વેલર્સ માલિક કમલેશ સોનીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
બહાર ઉભેલા લોકોએ દુકાનમાં થયેલી લૂંટની આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, 5 બદમાશો શોરૂમની અંદર લૂંટ ચલાવી રહ્યા છે, જ્યારે બદમાશોએ ફાયરિંગ કર્યું. ગુનેગારોને દુકાનમાંથી ચોરી કરવામાં થોડી જ મિનિટો લાગે છે. ઘટના શુક્રવારે મોડી સાંજે 7.30 વાગ્યાની હોવાનું જાણવા મળી રહ્યું છે.
તસ્કરો સ્વીફ્ટ કારમાં લૂંટને અંજામ આપવા આવ્યા હતા. દુકાનની નજીક પહોંચતા જ બદમાશોએ બહાર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી તેમણે દુકાનદારને પિસ્તોલ બતાવી અને દુકાનમાં રાખેલા દાગીનાની લૂંટ શરૂ કરી. તે જ સમયે, જ્યારે દુકાનદારે આનો વિરોધ કર્યો, તો બદમાશોએ તેને ખૂબ માર માર્યો અને પછી ગોળીબાર કર્યો તેમજ કારમાં ફરાર થઈ ગયા.
ઘટના બાદ SP ભીવાડી જ્યેષ્ઠા મૈત્રિય પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે ઘટના સ્થળની તપાસ કરી હતી. તેમણે કહ્યું કે, બદમાશોને પકડવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
ઈજાગ્રસ્ત કર્મચારી બ્રજમોહને જણાવ્યું હતું કે, લગભગ સાડા સાત વાગ્યે બદમાશો દુકાનમાં ઘૂસી ગયા અને લૂંટ ચલાવી. લૂંટ કર્યા બાદ ભાગી જતા સમયે બદમાશોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી.