રાજ્યમાં એક તરફ પોલીસદળમાં કર્મીઓની સંખ્યા ઘણી ઓછી છે, બીજી તરફ પોલીસભરતીઓ માટેની પ્રક્રિયાઓમાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે આથી વડી અદાલતે આકરૂં વલણ અપનાવી સરકારને જણાવ્યું છે કે, આગામી 30 ઓગસ્ટ સુધીમાં પોલીસભરતીઓ માટેનો સંપૂર્ણ રોડમેપ આપો. અત્રે ઉલ્લેખનિય છે કે, સુનાવણીમાં ગૃહ વિભાગે આ માટેની જે બ્લ્યુ પ્રિન્ટ આપી હતી તે ફગાવી અદાલતે કહ્યું કે, નવી બ્લ્યુ પ્રિન્ટ આપો.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, પોલીસભરતીઓ સંબંધે વડી અદાલત લાંબા સમયથી ચિંતિત છે અને વડી અદાલતમાં આથી આ સંબંધે સુઓમોટો રિટની સુનાવણીઓ ચલાવવામાં આવી રહી છે. આ સુનાવણીઓ દરમિયાન અદાલતે સરકારની ઝાટકણી કાઢી છે અને ત્યાં સુધી કહ્યું છે કે, અમારી ધીરજની કસોટી ન કરો, અદાલતની અવમાનના ની કાર્યવાહીઓ કરીશું.
સુનાવણી દરમિયાન ગૃહ વિભાગના સેક્રેટરીએ એફિડેવિટ ફાઇલ કર્યું હતું. જો કે કોર્ટમિત્રએ જણાવ્યું કે, સરકાર ભરતીઓ ન કરવા ચૂંટણીની આચારસંહિતા, ઉનાળો અને પછી ચોમાસુ હોવાથી ભરતીઓ કરવામાં આવી નથી, તેવા કારણો આપે છે. બીજી તરફ સરકારી વકીલે જણાવ્યું હતું કે, ભરતીઓ માટે પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે.
પોલીસ ભરતીઓ અંગે જાહેરાત બહાર પાડવા કોર્ટે પોલીસ ભરતી બોર્ડના ચેરમેનનું સોગંદનામુ દાખલ કરવા કહ્યું. કોર્ટે ગૃહ વિભાગને દિવસરાત કામ કરીને 15 દિવસમાં ભરતીના નિયમો જાહેર કરવા અને નોટિફાઈ કરવા કહ્યું. અદાલતે કહ્યું: પોલીસ વિભાગમાં 13,000 ભરતીઓ માટેનો સંપૂર્ણ રોડમેપ આપો. આ મુદ્દે વધુ સુનાવણી 30 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
એક તબક્કે વડી અદાલતે સરકારી વકીલની ઝાટકણી કાઢતા કહ્યું: અમારી ધીરજની કસોટી કરશો નહીં. અમે હવે કંટેમ્પ દાખલ કરીશું. સરકાર કોર્ટના હુકમને મજાક સમજે છે. કોર્ટ સમક્ષ ખોટું ચિત્ર આપવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના ઓર્ડરનું પાલન થતું નથી. અમે ધીરજ રાખીએ તેનો લાભ ઉઠાવશો નહીં. હવે સીધી જ કંટેમ્પ દાખલ થશે.