ગુજરાતના કચ્છના ભૂજ નજીક એક ચીનાઈ માટીની ફેક્ટરીમાં એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પહેલા મશીનમાં એક બાળક ફસાયું તેને બચાવવા જતા તેના પિતા અને ત્યાર પછી આ બંનેને બચાવવા જતા પાર્ટનર પણ મશીનમાં ફસાયો અને ત્રણેના કરૂણ મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ નજીક ચાઇના ક્લે મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં શનિવારે થયેલા અકસ્માતમાં 10 વર્ષના છોકરા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. ચીનાઈ માટી સિરામિક ઉદ્યોગનો મહત્વનો ભાગ છે. પધ્ધર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના ધાણેટી ગામ નજીક આવેલ શ્રી હરી મિનરલ્સ પાસે સવારે 11 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. અધિકારીએ જણાવ્યું કે, ફેક્ટરીના માલિક ગોવિંદ ચમારિયા (45), તેમનો 10 વર્ષનો પુત્ર અને ચમારિયાના ભાગીદાર પ્રકાશ વાઘાણી (32) નું ચાઈના ક્લે મશીનમાં ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું. બાળક રમતી વખતે ચીની માટી પીસાતા મશીનમાં પડી ગયું. તેના પિતા તેને બચાવવા દોડ્યા, પરંતુ તે પણ મશીનમાં ફસાઈ ગયા. પોલીસે જણાવ્યું કે, પિતા-પુત્રને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે પ્રકાશ પણ મશીનમાં ફસાઈ ગયો. અધિકારીએ કહ્યું કે, જ્યાં સુધી ફેક્ટરીના કામદારોએ ત્રણેયને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં તે બધા મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.