મોંઘવારી કે અન્ય કોઈ કારણસર પૅસેન્જર વેહિકલ્સનું વેચાણ ધીમું પડી ગયું છે. અત્યારે દેશભરના ઑટો ડીલર્સ પાસે કુલ ૭૩,૦૦૦ કરોડ રૂપિયાની ૭ લાખથી વધુ કાર વેચાયા વિનાની પડી રહી છે. અને ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (FADA)ના કહેવા પ્રમાણે પહેલાં ક્યારેય આટલીબધી ગાડીઓ ડીલર્સ પાસે પડી નહોતી રહી. જુલાઈ મહિનો શરૂ થયો ત્યારે સ્ટૉક ૬૫થી ૬૭ દિવસ સુધીનો હતો અને અત્યારે ૭૦થી ૭૫ દિવસ સુધી પહોંચી ગયો છે.
આ કારણે કાર-ડીલર્સને ચોમાસામાંય પરસેવો છૂટી રહ્યો છે. કાર બનાવતી કંપનીઓએ છૂટક વેચાણના આંકડા પ્રમાણે ઉત્પાદન રીસેટ કરવું જોઈએ અને ડીલરોને ઓછી કાર મોકલવી જોઈએ એવું FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાણિયાનું કહેવું છે.