આજે વરસાદી માહોલ અને વાવાઝોડાના ભયથી ઓફિસથી ઘરે વહેલા આવવાનું થયું પણ રસ્તામાં આવતા જ એક શ્રમજીવી ભાઈ ની ઝૂંપડી જોઈ, બે નાના બાળકો અધૂરા કપડામાં રમી રહ્યા હતા ને ધણીધણીયાની ઝૂંપડાની તાડપત્રી ટાઈટ બાંધી રહ્યા હતા ઉડાઉડ કરતું મીણિયાની જાપોટો વાગતી હતી અને એમના ચહેરાની રેખાઓ ઉપર સ્પષ્ટ વાવાઝોડાનો ભય દેખાઈ રહ્યો હતો.
એમના માટે આજે ભયાનક રાત કઈ રીતે વિતાવીશું શું ખાઈશું અને કયાં સૂઈ જવું એ મોટો પ્રશ્ન હતો.
અને એક બાજુ મોટા મોટા બંગલા અને ફ્લેટો હતા આકાશને આંબે એવા ફ્લેટો અને આલીશાન બંગલા હતા આજે વરસાદના માહોલમાં અમીરોના ઘરે ભજીયા કે ગરમ ગરમ ગોટાની મીજબાની થતી હશે તો એમના છોકરા પીઝા, બર્ગર અથવા ઢાંસાની પાર્ટી માટે amezon ને ઓડર કરતા હશે
મિત્રો મારો કહેવાનો મતલબ એ જ છે કે આવા ભયાનક વાતાવરણમાં શ્રમજીવી ઝૂંપડપટ્ટી, ફૂટપાથ ઉપર રહેવાવાળાની શું દશા હશે બિચારા લોકોનો એ પ્રશ્ન હશે કે જો કદાચ વાવાઝોડું વધશે તો કયાં જઈશું અને કયાં રહીશું
જ્યારે એક બાજુ ટીવી અને ન્યૂઝ ચેનલો વાળા અને અમીરો એ કહે છે કે ક્યારે આવશે વાવાઝોડું?
આજે ઘરે આવતા જ સોસાયટી ના દરવાજા પાસે મને મારા ખાસ મિત્ર પ્રવીણભાઈ મળ્યા અને કહેતા હતા કે ભરતભાઈ આજે વહેલા ઘરે આવ્યા છો તો જરૂર ગરમા ગરમ ભજીયા ની પાર્ટી હશે અને જોગાનુજોગ ભજીયા જ હતા પણ ત્યાજ મને એ શ્રમજીવી ની ઝૂંપડી યાદ આવી ગઈ…….
અને ત્યાંજ ટીવી માં ગરબો રણક્યો *હાચવવા વાળો બેઠો છે દ્વારકા નો નાથ રે……..* રાયરણછોડજી…