પ્રભારી મંત્રીશ્રીએ સ્થળાંતરિત કરાયેલા લોકોને પ્રાથમિક સુવિધાઓની સાથે આરોગ્ય સહિતની બાબતોની પણ કાળજી લેવાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો
——–
વરસાદ બાદ વીજ પુરવઠો ઝડપભેર કાર્યાન્વિત થાય તે બાબતની તકેદારી રાખવા મંત્રીશ્રીની તાકિદ
——–
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રભારી મંત્રીશ્રીને આણંદ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા ચાલતી રાહત બચાવ કામગીરીથી વાકેફ કર્યા
——-
રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેષભાઈ પટેલે આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ પરિસ્થિતિ અને તેની સામે વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અન્વયે જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત – બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી.
પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાની વરસાદની પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ થઈ જણાવ્યું હતું કે, સ્થળાંતરિત કરાયેલા લોકોને રહેવા – જમવા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓની સાથે તેમના આરોગ્ય સહિતની બાબતોની પણ કાળજી લેવાય તે જરૂરી છે.
તેમણે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વરસાદ બંધ થયા પછી ઉદ્દભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરું આયોજન હાથ ધરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં ભારે વરસાદને કારણે અસર પામેલા ગામો ખાતે જ્યાં વીજ પુરવઠો હાલમાં બંધ છે તેવા ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પૂર્વવત કરવા પણ જણાવ્યું હતું. તેમણે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ આરોગ્ય, વીજળી, જાન-માલને થયેલ નૂકશાની, રસ્તા, મકાનો, ખેતી, પશુપાલનને થયેલ નૂકશાની સહિતની બાબતોને સર્વગ્રાહિ સમિક્ષા કરી હતી.
આ તકે રાજય કક્ષાએથી સ્ટેટ ડીઝાસ્ટર ઓપરેશન સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજયના અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીશ્રીઓ સાથે વાર્તાલાપ કરી વરસાદની પરિસ્થિતિ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ થયા હતા. જે અન્વયે મુખ્યમંત્રીશ્રીને આણંદ જિલ્લાની વરસાદની પરિસ્થિતિ અને પ્રશાસન દ્વારા કરવામાં આવેલ કામગીરીથી પ્રભારી મંત્રીશ્રી ઋષિકેષભાઈ પટેલે અને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ વાકેફ કર્યા હતા.
બેઠકના પ્રારંભમાં જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રભારી મંત્રીશ્રીને જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલ પરિસ્થિતિનો ચિતાર આપીને અવગત કર્યા હતા. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે મહી નદીમાં પાણીના સ્તર વધવાથી આણંદ જિલ્લાના કુલ ૨૬ ગામો અસરગ્રસ્ત થઈ શકે છે તેમ જણાવી, ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોમાંથી કરવામાં આવેલ લોકોના સ્થળાંતર તેમજ તેમના માટે શેલ્ટર હોમમાં કરવામાં આવેલ પ્રાથમિક સુવિધાઓથી મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સંસદસભ્ય શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર. એસ. દેસાઈ, અગ્રણી સર્વ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.