ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાથી લઈ પ્રદેશ કક્ષા સુધી સંગઠન પરિવર્તનની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. સંગઠન પર્વ અંતર્ગત આગામી નવેમ્બર મહિના સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી, સહિત પ્રદેશ મંત્રીઓ અને જિલ્લા-મહાનગરના પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. પ્રદેશમાં જિલ્લા અને મંડળ સુધીના જુદા જુદા હોદેદારોની નિમણૂંક કરવા પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને મોહન કુંડારીયાને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.
ભાજપમાં ચર્ચા છે કે હાલની રાજકીય પરિસ્થિતિ મુજબ ભાજપ સમાજ અને વિસ્તારને લક્ષમાં રાખીને પ્રદેશ પ્રમુખની પસંદગી કરી શકે છે. હાલમાં રાજ્યમાં ઓબીસી અને પાટીદાર મતદારો સૌથી વધારે છે, જેથી ભાજપ પાટીદાર કે ઓબીસીમાંથી એક સમાજના નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોપી શકે છે. ઉત્તર ગુજરાતના પાટીદાર નેતાની જો વાત કરીએ તો અત્યારે રજની પટેલ સૌથી આગળ ચાલી રહ્યા છે.
છેલ્લાં થોડા સમયથી જે પ્રમાણે પાર્ટી તેને પ્રમોટ કરી રહી છે તેને જોતા તેમના પર પ્રમુખ તરીકે પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. જો ભાજપ પોતાની રણનીતિ મુજબ જ આગળ વધે તો ઓબીસી નેતાને પ્રમુખ તરીકે સ્થાન મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં મોટા કદના નેતા તરીકે અત્યારે શંકર ચૌધરી આગળ ચાલી રહ્યા છે એટલે કે પાર્ટી જો ઓબીસી નેતાની પસંદગી કરે તો શંકર ચૌધરીને પાર્ટી પ્રમુખ બનાવી શકે છે.