ચોમાસાની મોસમમાં નર્મદા મેઇન કેનાલમાં માટી-કાદવ મિશ્રિત ડહોળા પાણી વહેવાનાં શરૂ થાય છે, જેને શુદ્ધ કરવામાં મ્યુનિ.નાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ હાંફી જાય છે. તેથી મ્યુનિ.ઇજનેર ખાતાએ નગરજનોને ડહોળું પાણી આવે તો ઉકાળીને પીવાની અપીલ કરીને નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાંથી હાથ અદ્ધર કરી દીધા છે.
મ્યુનિ.ઇજનેર ખાતાનાં સત્તાવાર સૂત્રોએ સ્વીકાર્યું હતું કે, મ્યુનિ.ની પાણી પુરવઠા સિસ્ટમ નર્મદા મેઇન કેનાલ આધારિત છે. નર્મદા મેઇન કેનાલમાંથી કોતરપુર વોટર વર્કસ અને જાસપુર વોટર વર્કસ ખાતે રો-વોટર લેવામાં આવે છે અને વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં તેને શુદ્ધ કરી વિવિધ વિસ્તારનાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે. સામાન્ય દિવસોમાં નર્મદાનાં પાણી એટલા અશુદ્ધ હોતા નથી, તેથી તેને શુદ્ધ કરવામાં એટલો સમય કે બીજી કોઇ મુશ્કેલી પડતી નથી, પરંતુ ચોમાસામાં નર્મદા નદી ઉપરનો સરદાર સરોવર ડેમ છલકાઇ ગયા બાદ નદીનાં પાણીમાં માટી-રેતી અને અન્ય તરતાં કચરાનું પ્રમાણ વધી જાય છે. જે નર્મદા મેઇન કેનાલમાં પણ આવે છે. નર્મદા કેનાલમાંથી ડહોળું પાણી રો વોટર તરીકે લઇને તેને શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેવી માહિતી આપતાં સૂત્રોએ કહ્યું કે, નર્મદા કેનાલમાં હાલ વહેતાં અતિ ડહોળા પાણીને એકદમ સ્વચ્છ કરવા માટે ઘણો સમય લાગે તેમ હોય છે. જો પાણી સંપૂર્ણપણે સ્વચ્છ કરીને આપવા જઇએ તો શહેરમાં પાણીની તંગી સર્જાય તેવી સ્થિતિ પેદા થઇ શકે છે.
તેથી મ્યુનિ. સત્તાધીશોની સૂચના અને પરિસ્થિતિને ધ્યાને લઇ કોતરપુર તથા જાસપુર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં કેનાલનાં અતિ ડહોળા પાણીને શક્ય એટલુ શુદ્ધ કરીને શહેરીજનોનાં ઘર સુધી પહોંચાડવામાં આવે છે. તેમાંય વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી વોર્ડનાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં પહોંચાડવામાં આવે ત્યાં ક્લોરીનેશન પ્રક્રિયા કરવામાં આવે છે. તેમજ ત્યાં પાણીનો સંગ્રહ થતો હોવાથી માટી-રેતી ટાંકીનાં તળીયે એકત્ર થાય છે. તેમ છતાં નાગરિકોનાં ઘર સુધી પહોંચતુ પાણી ડહોળાશવાળુ હોવાનુ જણાય છે.
સૂત્રોએ ક્હ્યું કે, મ્યુનિ.નુ પાણી ડહોળું જોઇને નાગરિકોમાં ભડકો કે ભય પેદા ન થાય તે માટે જાહેર અપીલ કરવાની ફરજ પડી છે. જેમાં દરેક નાગરિકોને ડહોળું પાણી ચોખ્ખું જ છે અને સાવચેતી માટે ઉકાળીને પીવાનું જણાવાયું છે. જેનાં ઘરે આરઓ જેવા મશીન છે તેમને કોઇ વાંધો આવવાનો નથી,પરંતુ જે લોકો મ્યુનિ.નાં પાણીને સીધુ માટલામાં ભરે તેમના માટે અપીલ જારી કરવામાં આવી છે.