ગાંધીનગર શહેરના પેથાપુર ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યાની વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. જોકે, ચોકડી ઉપર બ્રિજ બનાવવામાં આવનાર છે. ત્યારે ખાસ કરીને રવિવારના દિવસે સવારના સમયે ચોકડી ઉપર ભયંકર ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. હોમગાર્ડને ફરજ સોપવામાં આવી છે, પરંતુ ખુરશીમાં બેસી રહેવાના કારણે ટ્રાફિકનુ સંતુલન ખોરવાઇ જાય છે, આ સ્થિતિમાં હોમગાર્ડને ખુરશીની જગ્યાએ રોડ ઉપર ઉભા કરવા માટે અધિકારીઓને રાઉન્ડ મારવો જોઇએ.
ગાંધીનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાનુ સમાધાન લાવવા માટે જિલ્લા પોલીસ વડા ખુદ રોડ ઉપર ઉતરી આવે છે. જાતે વિસ્તારનુ નિરીક્ષણ કરી શક્ય તમામ પગલા ભરવામાં આવે છે. પરંતુ નીચેનો સ્ટાફ પોતાની મસ્તીમાં જ હોવાથી કામગીરી પુરી થતી નથી. આજે રવિવારે સવારના સમયે પેથાપુર ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા વકરી ગઇ હતી. હોમગાર્ડના જવાનો ખુરશીમાં બેસીને ગપાટા મારી રહ્યા હતા અને વાહન ચાલકો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.
પેથાપુર વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ અને શહેર ભાજપ વોર્ડના પ્રમુખ જયદીપસિંહ વાઘેલાએ કહ્યુ હતુ કે, પેથાપુર ચોકડી ઉપર રવિવારે સવારના સમયે ભારે ટ્રાફિક થાય છે. શહેરમાં વસતા લોકો વતનમાં આવતા હોવાથી, તે ઉપરાંત મહુડી જતા હોવાના કારણે સવારે વાહનોની અવરજવર વધી જાય છે. આ સ્થિતિમાં ટ્રાફિકનુ સુચારુ સંચાલન કરવા માટે હોમગાર્ડને ફરજ સોપવામાં આવી છે. પરંતુ તમામ હોમગાર્ડ આસપાસની દુકાનમાંથી ખુરશીઓ ખેંચીને છાયડો શોધી બેસી રહે છે. પરિણામે વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો હોમગાર્ડ 2-2ની સંખ્યામાં થોડો સમય આરામ કરી લે તો પણ ચાલે. પરંતુ તમામ ચોકડી ઉપરના તમામ હોમગાર્ડ એક સાથે બેસી જાય છે. પરિણામે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ જાય છે. ક્યારેક વાહન ચાલકો વચ્ચે શાબ્દીક બોલાચાલી પણ થતી હોય છે, આ સ્થિતિમાં જો ઉપરી અધિકારી સમયાંતરે આકસ્મિત ચેકીંગમાં આવે તો હોમગાર્ડ તેમની ફરજ નિષ્ઠા પુર્વક બજાવે, નહિ તો જ્યાં સુધી બ્રિજ કાર્યરત ન થાય ત્યા સુધી આવી જ સ્થિતિ જોવા મળશે.