શહેરના હરણી વિસ્તારમાં રહેતા રહીશને ભાજપના મહિલા નેતા સામે અભદ્ર ઈશારો કરવો ભારે પડ્યો છે. હકીકતમાં પૂરના કારણે રોષે ભરાયેલા રહીશે ભાજપના મહિલા ધારાસભ્ય વિરુદ્ધ આક્રોશ ઠલવતી પ્રતિક્રિયા આપી હતી. જેને લઈને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રહીશની અટકાયત કરી છે. બીજી તરફ આ મામલે કોંગ્રેસ પણ રહીશના બચાવ માટે મેદાનમાં ઉતરતા રાજકારણ ગરમાયું છે.
વડોદરામાં પૂરની સ્થિતિને લઈને હરણી વિસ્તારમાં આવેલ સિલ્વર ઑપ ફ્લેટમાં રહેતા કુલદીપ ભટ્ટ રોષે ભરાયા હતા. જેમણે સ્થાનિક ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ સમક્ષ ભાજપના મહિલા ધારાસભ્ય વિરુદ્ધ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આટલું જ નહીં, આ દરમિયાન તેમણે મહિલા નેતાના નામ સાથે અભદ્ર ઈશારો કર્યો હતો.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલદીપ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ તેની વિરુદ્ધ મહિલાને અભદ્ર ઈશારો કરવા તેમજ જાહેરમાં ધમકી ઉચ્ચારવાનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સ્થાનિક મીડિયાને પણ નોટિસ મોકલીને તેના પ્રતિનિધિને જવાબ લેવા બોલાવવામાં આવ્યા છે.
બીજી તરફ આ મામલે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે, ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે વડોદરા પાણીમાં ડૂબ્યુ અને લોકોને ભારે નુક્સાન થયું છે. હવે જ્યારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે, તો પોલીસ તેઓને જેલમાં નાંખી રહી છે. શું હવે કોઈ અવાજ ઉઠાવશે તો તેમને જેલમાં નાંખી દેશો?