ડ્રગ્સનું પ્રમાણ ભયાયનક હદે વધી રહ્યું છે. એના કારણે રાજ્યનું યુવાધન છે એ બરબાદ થઈ રહ્યું છે. અવારનવાર ઘાતક કહી શકાય એવા ડ્રગ્સના જથ્થા પકડાઈ રહ્યા છે. જોકે હજી સુધી ડ્રગ્સ માફિયાઓને કાબુમાં લેવામાં પોલીસ સફળ રહી નથી. ફરી એકવાર આ માફિયાઓ ગુજરાતમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડવામાં સફળ રહ્યા છે, આ વખતે ડ્રગ્સનો જથ્થો છે છેક ઓડીશાથી અમદાવાદ શહેરમાં પહોંચ્યો છે.
જેમ પંજાબમાં ડ્રગ્ઝનું પ્રમાણ ભયાનક હદે વધી ગયું અને એની એ ભયાનકતા બતાવવા ફિલ્મ ‘ઊડતા પંજાબ’ બની ત્યાર પછી ગુજરાત રાજ્ય પણ ઊડતા ગુજરાત તરીકે બદનામ બની રહ્યું છે. કારણ કે ગુજરાતમાં પણ વારંવાર મેફેડ્રોન સહિતના ઘાતક ડ્રગ્સના જથ્થા પકડાઈ રહ્યા છે. અમદાવાદ શહેરની વટવા જીઆઇડીસીમાંથી ક્રાઇમ બ્રાન્ચે આજે ડ્રગ્ઝનો મોટો જથ્થો પકડ્યો છે. પ્રાથમિક રીતે જે માહિતી મળી છે એ પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરોડો રૂપિયાનું ડ્રગ્ઝ ઝડપી પાડ્યું છે. ડ્રગ્ઝ સાથે ઓડીશાના ત્રણ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. આશરે 150થી 200 કિલોથી વધુ ગાંજો અને સાથે એમડી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.
ઓડીશાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાઉડર મોટી માત્રામાં લાવવામાં આવ્યો હતો. ગુજરાત સહિત બીજા રાજ્યોમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી છે. ડ્રગ્સનો મસમોટો જથ્થો ટ્રકમાં રવાના થયો હોવાની માહિતી પણ મળી હતી. બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ પકડ્યું છે. જે કર્ણાટક થઈને અહીં પહોંચાડવામાં આવ્યું હતું. આ શખ્સો ડ્રગ્સને ગુજરાતમાં કોને સપ્લાય કરવાના હતા, આ સિવાય કોઈને જથ્થો પહોંચાડ્યો છે કે કેમ? કોણ કોણ સંડોવાયેલા છે? જીઆઇડીસીમાં માલ ઉતર્યો એ જગ્યા કોની છે? ઓડીશાથી કોણે આ જથ્થો અહીં મોકલ્યો હતો? કોને કોને આપવાનો હતો કે બીજા રાજ્યમાં પણ પહોંચાડવામાં આવ્યો હતો? ક્રાઇમ બ્રાન્ચે આવી તમામ બાબતોની તપાસ શરૂ કરી છે. અગાઉ રાજ્યના દરિયા કિનારે પણ ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારે આ વખતે ડ્રગ્સ માફિયાઓએ નવતર પ્રયોગ કર્યો છે, શંકા ન જાય એટલા માટે આ વખતે ગાંજાને સૂકવીને પાઉડર બનાવીને તેની હેરાફેરી કરવામાં આવી છે. ગાંજાનો પાઉડર કરીને એના પાર્સલ તૈયાર કરવામાં આવ્યા છે, આ ડ્રગ્સ કાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ નવા ખુલાસા થાય એવી પણ શક્યતા છે.