ગાંધીનગરના આલમપુર ગામના તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રીએ અમાની બંગ્લોઝ નામની ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારનુ નામ દાખલ કરવાની અવેજીમાં જેતે વખતે દોઢ લાખની લાંચ માંગવામાં આવી હતી. જે મામલે ફરિયાદ મળતા એ.સી.બી.એ ગોઠવેલ લાંચનું છટકુ નિષ્ફળ ગયું હતું. જો કે લાંચ માંગ્યાના ટેકનીકલ પુરાવા તથા વૈજ્ઞાનીક સંયોગીક પુરાવા મળતા એ.સી.બી.એ તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગરના આલમપુર ગામના તત્કાલીન મહિલા તલાટી કમ મંત્રી સરીતાબેન જયંતિભાઇ પટેલ વિરૂધ્ધ એ.સી.બી.એ ગુનો દાખલ કર્યો છે. અરજદારે મોજે આલમપુર સીમમાં અમાની બંગ્લોઝ નામની ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારનુ નામ દાખલ કરવા જેતે સમયે આલમપુર ગ્રામપંચાયતમાં અરજી કરેલ હતી. જે અરજીના સંદર્ભે અરજદારે આલમપુર ગ્રામપંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી સરીતાબેન પટેલને મળવા માટે ગયા હતા.
એ વખતે તત્કાલીન તલાટી કમ મંત્રી સરીતાબેન પટેલે નામ દાખલ કરવા વ્યવહાર પેટે રૂ.1. 50 લાખની માંગણી કરવામાં આવી હતી. જે બાબતે રકઝકનાં અંતે 1 લાખ 26 હજાર આપવાનું નક્કી થયું હતું. પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માંગતા નહીં હોવાથી એસીબીમાં ફરીયાદ કરી હતી.
જેનાં પગલે 13 જુન 2019 નાં રોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે લાંચનું છટકુ નિષ્ફળ રહ્યું હતું. જો કે અરજદાર દ્વારા લાંચની માંગણી બાબતે રજુ કરેલ રેકોર્ડીંગ આધારે પ્રાથમીક તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં તત્કાલીન તલાટી કમ મંત્રી સરીતાબેન પટેલે લાંચની લેતીદેતી બાબતે અન્ય હેતુલક્ષી વાતચીત કરી હોવાના દસ્તાવેજી પુરાવા, ટેકનીકલ પુરાવા તથા વૈજ્ઞાનીક સંયોગીક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનુ સ્પષ્ટ પણે ફલીત થયું હતું.
જે અન્વયે સરીતાબેન જયંતિભાઇ પટેલ (તત્કાલીન તલાટી કમ મંત્રી આલમપુર ગ્રામ પંચાયત, હાલ નોકરી-વટવા (વાસણા રાઠોડ), તલાટી કમ મંત્રી (વર્ગ-3), દહેગામ તાલુકા પંચાયત, દહેગામ) વિરુદ્ધ ગાંધીનગર એસીબી પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.