ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ ફરી એકવાર જિલ્લાના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરોની જાહેરહિતમાં આંતરિક બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં ચીલોડા પોલીસ મથકના પીઆઈ તરીકે ફરજ બજાવતા એન્ડરસન અસારીની બદલી સેકટર – 7 પોલીસ મથકમાં સેકન્ડ પીઆઈ તરીકે કરીને તેમની જગ્યાએ કલોલ શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર આર પરમારની નિમણુંક કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીનો છેલ્લા કેટલાક દિવસથી તખ્તો ગોઠવાઈ રહ્યો હતો. જો કે વડાપ્રધાનનાં ગાંધીનગરમાં આગમનને લઈને એના પર બ્રેક વાગી હતી. ત્યારે આજે ભાદરવી પૂનમના દિવસે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ ફરી એકવાર બદલીનો ગંજીપો ચીપી ઈન્ફોસિટી, ચીલોડા, કલોલ સીટી, સેકટર – 7 તેમજ સેકટર – 21 પોલીસ મથકના ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી દેવામાં આવી છે.
આજે જિલ્લા પોલીસ વડાએ જાહેરહિતમાં પાંચ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનાં હુકમ કરવામાં આવ્યો છે. જે મુજબ ચીલોડા પોલીસ મથકના પીઆઈ એન્ડરસન અસારીને સેકટર – 7 પોલીસ મથકમાં સેકન્ડ પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ આર આર પરમારની નિમણુંક કરવામાં આવી છે.
એજ રીતે સેકટર – 7 પોલીસ મથકના સેકન્ડ પીઆઈ આર જી દેસાઈની બદલી કરીને કલોલ શહેર પોલીસ મથકના ફર્સ્ટ પીઆઈ તરીકે નિમણૂંક કરાઈ છે. જ્યારે છેલ્લા સાત મહિનાથી ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ તરીકે ફરજ બજાવતા પી આર ચૌધરીની પણ બદલી કરીને સેકટર – 21 પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે. તો સેકટર – 21 પોલીસ મથકના પીઆઈ વી આર ખેરની બદલી કરીને ઈન્ફોસિટી પોલીસ મથકમાં નિમણુંક કરાઈ છે.