ભૂજમાં હિલ ગાર્ડન નજીક રીસોર્ટ માટે જમીન ફાળવાયા બાદ મહેસુલી તંત્રની નજર હેઠળ જ વધારાની 30 હજાર ચો.મી. દબાવી દેવાયાની અને આ જમીન ખાલી કરાવવાની અરજી તંત્રને થઈ છે. ગુજરાતના ઈતિહાસમાં 200 કરોડની સરકારી જમીન ખાલી કરાવવા આ સૌથી મોટી લેન્ડગ્રેબીંગની ફરિયાદ ગણાવાઈ રહી છે. જે અંગે કોઈ કાર્યવાહી નહીં થઈ રહ્યાનો આક્ષેપ થયો છે.
અરજદાર 2018થી મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં રજૂઆત કરતા હોવાનું જણાવાયું છે. સરકારી રેકર્ડ મુજબ માત્ર 3800 ચો.મી. જમીન નવી અવિભાજય શરતે હોટલ ઉદ્યોગ માટે કચ્છ કલેક્ટરે ફાળવેલ છે, પરંતુ સ્થળ સ્થિતી મુજબ હિલ વ્યુ રિસોર્ટના 8 ભાગીદાર માલિકોએ લાગુની સરકારી ટ્રાવર્સ 870/1 ની જમીન પર ખુલ્લેઆમ દબાણ કરાયાની ફરિયાદ કરી હતી. આજ દિન સુધી કલેક્ટર દબાણની જમીન ખાલી કરાવી શક્યા નથી.
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મુજબ આશરે 30000 ચો.મી. દબાણ છે. ગુગલ ઈમેજમાં દબાણ વિસ્તાર દર્શાવતી તસ્વીરો અને મહેસુલી રેકર્ડ ફરીયાદીએ કમિટી સમક્ષ પ્રસ્તુત કર્યો છે અને આ દબાણ એરપોર્ટ રોડ ટચ સરકારી મિલકતની બજાર ભાવ પ્રમાણે આશરે રૂપિયા 200 કરોડ આંકી છે.
હિલ વ્યુ રિસોર્ટના 8 ભાગીદાર માલિકો દ્વારા દબાણ જમીન પર બનાવેલ મોટા પાર્ટી પ્લોટ પર લગ્ન પાર્ટીઓનું આયોજન કરી ઈવેન્ટ દીઠ રૂપિયા 5-7 લાખ અને નાના પાર્ટી પ્લોટના રૂપિયા 1.50-2.00 લાખ તથા હોલના રૂપિયા 0.75 લાખ ભાડા વસૂલ કરી છેલ્લા 8 વર્ષમાં કરોડોની કમાણી કરી છે.
આ હોટેલની બાજુનો ડુંગર કાપીને આશરે 3000 ચો.મી.થી વધુ વિસ્તારનો કાર પાર્કિંગ બનાવી નાખેલ દેખાય છે છતાં મામલતદાર ગ્રામ્ય અને ભુસ્તર શાસ્ત્રી ને કેમ દેખાયો નથી? તેવો પ્રશ્ર ફરિયાદી કરે છે. સરકારી ઠરાવ 16-7-2022 મુજબ સરકારી મિલકતોની ચોકીદારી કરવાની સંપૂર્ણ જવાબદારી મામલતદારની નક્કી કરેલ છે, પરંતુ તેઓએ આજ દિન સુધી અહેવાલ આપવા પાછીપાની કરી છે.
ખરેખર સરકારી જમીનોની નિગરાની કરવાની સંપૂર્ણ જવાબદારી મામલતદારની છે,ત્યારે કોઈ જાગૃત નાગરિક તેમની ફરજ બજાવી લેખિતમાં જાણ કરે છે તો બે બે વર્ષ સુધી આ કલેકટર કોઈ કાર્યવાહી કરતા નથી.ભુજના હિલગાર્ડન નજીક સર્વે નં.870 પૈકી 1 ખાતા નંબર 746ની નવી અને અવિભાજય શરતની 3800 ચોરસ મીટર જમીન 2016માં તત્કાલીન કલેક્ટરે હોટલ બનાવવા ખાનગી માણસોને ફાળવી હતી.
આ જમીન પર આઠ ભાગીદારો જગદીશ આણંદજી ઠકકર, હિંમત લીલાધર દામા, હિતેન શંકરલાલ દામા, પ્રકાશકુમાર નટવરલાલ પટેલ, શૈલેષ રાજેશભાઈ મોદી, જિગીશકુમાર રાજેશકુમાર મોદી, શેહનાઝ કરીમભાઈ પાયલા, અશર્રફઅલી વલી આગરીયાએ હિલ વ્યુ રિસોર્ટનું નિર્માણ કર્યુ હતું.
આ તમામ ભાગીદારોએ સરકારી જમીન ટ્રાવર્સ સર્વે નંબર 870 પૈકી 1 ની જમીન ગેરકાયદે પચાવવાનું શરૂ કર્યું હતુ. 2018માં પ્રથમ વખત આ ભાગીદારોએ 7 હજાર ચો.મી. જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે જે તે સમયે અરજી કરાઈ હતી.