ગુજરાતીઓને ‘દાદા સરકાર’ જલદી વધુ એક સારી સુવિધા આપશે. ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે ‘દાદા’ સરકારે રૂ.3100 કરોડનાં ખર્ચે મહત્ત્વપૂર્ણ પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતનાં ટ્રાફિકવાળા હાઈવેઝને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસિત કરવામાં આવશે. રાજ્યનાં 6 મુખ્ય હાઈવે પર હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે.
રાજ્યમાં ટ્રાફિક્ની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ટ્રાફિકની સમસ્યાને લઈ હાઈકોર્ટે પણ અગાઉ ઘણી વખત સરકારનું ધ્યાન દોર્યું છે. ત્યારે, રાજ્ય સરકારે આ અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની ‘દાદા સરકાર’ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાતનાં ટ્રાફિકવાળા હાઇવેઝને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે દાદા સરકારે રૂ. 3100 કરોડનાં પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનાં 6 હાઈવે પર હાઈસ્પીડ કોરિડોર બનશે, જેમાં વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી હાઈવે, અમદાવાદ-ડાકોર, ભૂજ-ભચાઉ હાઈવે, રાજકોટ- ભાવનગર હાઈવે અને મહેસાણા-પાલનપુર હાઇવેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હાઇવે પર આગામી દિવસોમાં હાઈસ્પીડ કોરિડોર બનાવવાની કામગીરી હાથ ધરાશે, જેથી હાઈવેઝ પર ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકોને મુક્તિ મળશે.