સુરતથી બે દીકરીની માતા ડિવોર્સી પ્રેમી સાથે ભાગીને જૂનાગઢ પહોંચી હતી. જ્યાં ગિરનાર પર્વત પર આ પ્રેમી જોડાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ ભવનાથ પોલીસને શનિવારે સાંજે થતાં અંબાજી નજીક આવેલા ગોરખનાથ નજીકની ખીણમાંથી લોકોની મદદથી ડોલીના સહારે બન્ને મૃતદેહોને નીચે લાવવામાં આવ્યા હતા. રવિવારે સવારે 5 વાગ્યે જૂનાગઢ સિવિલમાં મૃતદેહો લઇને પોલીસ પહોંચી હતી અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શનિવારની સાંજે 6:30 વાગ્યાના અરસામાં ઉજાગર થયેલી ઘટનામાં ભવનાથ પોલીસ ગિરનાર પર્વત ચડીને અંબાજી નજીક આવેલા ગોરખનાથ નજીકની ખીણમાંથી ડોલીના સહારે બંને મૃતદેહો લાવી રવિવારે સવારે 5 વાગ્યે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યાં મૃતદેહોના પોસ્ટ મોર્ટમ સહિતની તમામ કાર્યવાહી હાથ ધરી હતી.
ભવનાથ પોલીસ મથકના પીએસઆઇ આર.એસ. ડામોરે કહ્યું હતું કે, સુરતના નવા ગામના કોળવદ વિસ્તારનો 32 વર્ષીય દીપક વશરામ વેકરીયા અને કામરેજ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય ચૈતાલી હિતેશ લાખણકીયા નામની પરિણીતા સુરતમાંથી ગત તા. 5 સપ્ટેમ્બરના સુરતથી ભાગીને જૂનાગઢ આવ્યા હતા. ગઈકાલે શનિવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં તેઓને ગિરનાર સ્થિત અંબાજી મંદિર નજીક આવેલા ગોરખનાથ પાસેની ખીણમાં એક પુરુષ અને સ્ત્રીનો મૃતદેહ પડ્યા હોવાની વિગતો મળી હતી.
બનાવની જાણ થતાં પોલીસ ગિરનારના પગથિયાં ચડી રાત્રિના 12 વાગ્યાના અરસામાં બનાવ સ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેઓને મૃતક સ્ત્રી પુરુષ બંનેના આધાર કાર્ડ મળી આવ્યા હતા. જેમાંથી તેમની ઓળખ કરાઈ હતી. બાદમાં પોલીસ અને અન્ય લોકોની મદદથી મૃતદેહોને ડોલી મારફતે વહેલી સવારે 5:00 વાગે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ગિરનારના ગોરખનાથ નજીકથી મળેલા મૃતદેહો સંદર્ભે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે દીપક વશરામ વેકરીયાના છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે ચૈતાલીને સંતાનમાં બે દીકરીઓ છે અને તેણે હર્યો ભર્યો સંસાર છોડીને પ્રેમી સાથે ભાગી જઈ અંતિમ પગલું ભરી લીધું છે. આ પગલું ભરવાનું કારણ શું એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.