માણસાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં ખોટા દસ્તાવેજી પુરાવાનાં આધારે વિહાર ગામનાં ખેડૂતની જાણ બહાર બારોબાર કરોડોની 14 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જતાં માણસા પોલીસે કલેક્ટરના હુકમથી સ્ટેમ્પ વેન્ડર સહિત છ ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના કુકરવાડા કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ખેડૂત મહેશભાઈ સોમાભાઇ પટેલની માણસા તાલુકાના વિહાર ગામની સીમના ખાતા નં-978 માં અલગ અલગ સર્વ નંબરની સંયુક્ત માલીકીની સ્વપાર્જીત 14 વીઘા જમીન આવેલી છે. જેમાં સુનિલભાઈ નટવરભાઈ પટેલ, નરેશકુમાર વિઠલભાઈ પટેલ, વિજ્યાબેન જગદીશભાઇ પટેલના પણ નામ છે. ગત તા. 3 ઓક્ટોબર 2023 ના રોજ અખબારમાં ઉપરોક્ત જમીનના ટાઇટલ ક્લીયરની નોટિસ પ્રસિધ્ધ થઈ હતી.
આ જોઈને મહેશભાઈએ નોટિસ પ્રસિધ્ધ કરાવનાર વકીલનો સંપર્ક કરી પોતે ઓરિજિનલ ખેડૂત હોવાની વાત કરી હતી. બાદમાં મહેશભાઈને જાણવા મળેલ કે, ભુમાફીયાઓએ ખોટા ખેડૂતો ઉભા કરી સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ પણ કરી દેવાયો છે. જેથી તેમણે જમીનના રેવન્યુ રેકર્ડના કાગળો મેળવતા ઉપરોક્ત જમીનના ખેડૂતોના નામના બોગસ બનાવટી ચુટણી કાર્ડ, પાનકાર્ડ તથા આધાર કાર્ડ, ફોટા પણ નકલી હોવાનું સામે આવ્યું હતું.
ઉપરાંત ખોટા વેચાણ દસ્તાવેજમાં જમીન વેચાણ લેનાર તરીકે સેરસીયા મહમદઅલી ગુમાનહુસેન ( રહે. પહાડીયોલ તા-વડાલી જી.સાબરકાંઠા), મુમીન અબ્બાસ અલી નુરમહમદભાઈ (રહે, બાદરપુર તા-વડનગર) ના નામ હતા. તેમજ વેચાણ આપનાર તરીકે જયેશકુમાર નરોત્તમભાઈ નાગર (રહે, વણકર વાસની પાછળ, વિજાપુર), સમીરકુમાર જીતેન્દ્રભાઇ દેસાઇ (રહે, વિસનગર) એ સાક્ષી તરીકે સહીઓ કરેલી હતી. દસ્તાવેજ તૈયાર કરનાર તરીકે સ્ટેમ્પ વેન્ડર હસમુખભાઈ પટેલ(રહે માણસા) નું નામ હતું.
જે મામલે મહેશભાઈએ કલોલ પ્રાંત કચેરીમાં વાંધા અરજી કરતા જામીનની નોંધ રદ્ કરતો હુકમ કર્યો હતો. બાદમાં મહેશભાઈએ કલેક્ટરની સીટમાં પણ અરજી કરી હતી. જેનાં પગલે જમીન વેચાણ લેનાર ઈસમોએ ગુનાની કબૂલાત કરી જમીનનો વેચાણ દસ્તાવેજ રદ કરી આપ્યો હતો. ત્યારે સીટની તપાસમાં ખોટા દસ્તાવેજો બનાવી ખોટા ખેડૂતો બનીને સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરી દેવાયાનું પુરવાર થતાં કલેક્ટરનાં હુકમથી માણસા પોલીસે સ્ટેમ્પ વેન્ડર સહિત છ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.