દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ. ૧૫૦૦ કરોડની વિકાસ કામોની ભેટ આપવા માટે તા.૮ને શુક્રવારે ઝાલોદ ખાતે પધારશે. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થનારી રૂ. ૧૦૫૪ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાના ભાગ-૧ના લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની વિગતો આપતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઝાલોદ નગરના પાદરમાં આવેલા મેલાણિયા ગામ સ્થિત આઇટીઆઇ પાસે મર્યાદિત લોકોની હાજરીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સંબોધિત કરવાના છે.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત થનારા વિકાસ કામોની યાદી જોઇએ તો રૂ. ૧૦૫૪ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-૧, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રૂ. ૩.૨૮ કરોડથી નિર્મિત ડો. બાબા સાહેબ આંબેડકર ભવન, આદિજાતી વિભાગ દ્વારા ઝાલોદ ખાતે રૂ. ૭.૬૧ કરોડના સરકારી કુમાર છાત્રાલય, આરોગ્ય વિભાગના કુલ ૨.૪૦ કરોડથી નિર્મિત બે આરોગ્ય કેન્દ્રો અને જેટકો રૂ. ૨.૨૦ કરોડના ૬૬ કે. વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરશે.
એ જ પ્રમાણે ખાતમુહૂર્તની યાદી જોઇએ તો રૂ. ૨૨૬ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-૨, કડાણા આધારિત રૂ. ૨૧૩.૬૯ કરોડની ત્રણ પાણી પુરવઠા યોજના, પાણી પુરવઠા વિભાગની રૂ. ૧૪.૯૪ કરોડની બે ફળિયા કનેક્ટિવિટી યોજના અને રૂ. ૪ કરોડના ખર્ચથી નિર્માણ પામનારા ૬૬ કે. વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે.