ગાંધીનગરના સેકટર – 5 ખાતે આવેલી ટાયરની દુકાનના વેપારી પાસેથી હાથ ઉછીના લીધેલા રૂપિયાની અવેજીમાં આપેલો રૂ. 3 લાખ 80 નો ચેક રીટર્ન થવાના કેસમાં ગાંધીનગર કોર્ટે લવારપુરનાં બિલ્ડરને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચાર લાખનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.
ગાંધીનગરના સેકટર – 5 ખાતેની ટાયરની દુકાનના માલિક હર્ષિલ પટેલ અને લવારપુરનાં દીપ કન્સ્ટ્રક્શનનાં બિલ્ડર જગદીશ પટેલ વચ્ચે ધંધાકીય સંબંધો હતા. જે અન્વયે જગદીશ પટેલ જરૂરી માલ સામાન હર્ષિલ પટેલની પેઢીમાંથી ખરીદી કરતા હતા. જે અંગેના બે ટેક્સ ઈનવોઈસ પણ આપવામાં આવ્યા હતા. જેની અવેજીમાં જગદીશ પટેલે રૂ. 2 લાખ 68 હજાર 600 નો ચેક હર્ષિલ પટેલને આપ્યો હતો. પરંતુ ઉપરોક્ત ચેક પુરતા નાણાંના અભાવે રિટર્ન થયો હતો.
જે બાબતે વાત કરતા જગદીશ પટેલે માફી માંગી લેણદેણની બાબત ચોખ્ખી કરી રૂ.3 લાખ 60 હજારનો ચેક લખી આપ્યો હતો. જે ચેક પણ તા. 11/6/2019 ના રોજ ફંડ ઈનશફીયન્ટના શેરા સાથે રીટર્ન થયો હતો. તેમ છતાં ધંધાકીય સંબંધો બગડે નહીં એ માટે હર્ષિલ પટેલે પૈસાનો હિસાબ પૂર્ણ કરવા જગદીશ પટેલને વિનંતી કરી હતી. બાદમાં દિવાળી સમય નજીક હોવાથી છેલ્લી તક માંગી હતી. અને 29 ઓક્ટોબર 2019 નાં રોજ નાણાં ચૂકવી આપવાનો ખાત્રી પણ આપી હતી.
બાદમાં હિસાબ પેટે રકમની અવેજીમાં વ્યાજ અને જરૂરી ખર્ચની ગણતરી કરી જગદીશ પટેલે રૂ. 3.80 લાખનો ચેક લખી આપ્યો હતો. જે ચેક પણ તા. 30/10/2019 નાં રોજ અપૂરતા બેલેન્સ સાથે પરત ફર્યો હતો. જેનાં પગલે હર્ષિલ પટેલે વકીલ મારફતે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી. જે ચેક ગાંધીનગરના પ્રિન્સિપાલ સીનિયર સિવિલ અને એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી જગદીશ પટેલને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચાર લાખનો દંડ ફટકાર્યો છે.