સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા મેગા ડિમોલિશનની કામગીરી અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તંત્રની આ કાર્યવાહી સામે અરજદારો દ્વારા હાઈકોર્ટનાં દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જેને લઈને આજે હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
ગીર-સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહીનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હાલમાં આ કામગીરી બાબતે કોર્ટમાં અરજદારો દ્વારા પડકારવામાં આવી છે. તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકારે કોર્ટમાં આપ્યો છે. કોર્ટમાં ચાલુ મેટર પર ચર્ચા કરવી યોગ્ય નથી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનેક વાર નોટિસ આપ્યા પછી અને લીગલ પ્રક્રિયા કર્યા પછી જ આ કામગીરી કરવામાં આવી છે.
સોમનાથ મંદિર પાસે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં 56 કલાક સુધી સતત અસંખ્ય બુલડોઝર ધણધણ્યા હતા. સરકારના સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સોમનાથ પંથકમાં રાતોરાત મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરી ગેરકાયદે રીતે કેટલાક બાંધકામો, ધાર્મિક સ્થાનો સહિતના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
જેમાં હાજી મંગરોલીશા પીર, ઈદગાહ સહિતના સ્થળોએ પણ બુલડોઝર ચલાવી અનેક ધાર્મિક સ્થળો-બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસરનાં ધાર્મિક દબાણ હટાવાયા હતા અને અંદાજિત 320 કરોડની 102 એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી. પરંતુ તંત્રની આ કાર્યવાહી સામે અરજદારો દ્વારા હાઈકોર્ટનાં દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જેમાં સરકાર અને અસરગ્રસ્ત પક્ષે દલીલો ચાલી હતી.
અરજદારનાં વકીલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ કીધું હતું કે ડિમોલિશન ન થવું જોઈએ. જ્યારે સરકારી વકીલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું ક્યાંય ઉલ્લંઘન નથી થયું. ઓક્ટોબર 2023થી ડિમોલિશન ચાલી રહ્યું છે. અનઅધિકૃત દબાણ હતું, નોટિસ પણ આપાઈ હતી.
આ મામલે કોર્ટે સરકારપક્ષને કેવી રીતે કાયદાકીય પ્રક્રિયા અનુસરી ડિમોલિશનની કાર્યવાહી કરી તે બતાવવા નિર્દેશ કર્યો છે. તો અસરગ્રસ્ત પક્ષને પણ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અને સરકાર કઈ રીતે કાયદાનું પાલન નથી કર્યું તે બતાવવા નિર્દેશ કર્યો હતો. જણાવી દઈએ કે, આ કેસની વધુ સુનાવણી આજે (પહેલી ઓક્ટોબર) થશે.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ-વેરાવળ રોડ પર હાજી માંગરોળીશા મસ્જિદ ખાતે ટોળાએ ડિમોલિશનની કામગીરીમાં અવરોધ ઊભો કરી સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરતાં રેવન્યુ વિભાગના સ્થાનિક મામલતદાર શક્તિસિંહ પરમારે પ્રભાસપાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 88 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો.