અમદાવાદ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અત્યાધુનિક
સુવિધા ધરાવતી નવા 7 માળની હાઈટેક પોલીસ કમિશનર
કચેરીનું નિર્માણ કરવામાં અવ્યું છે. આજે (3 ઓક્ટોબર)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવી કચેરીને ખુલ્લી
મુકવામાં આવી હતી, જે માટે અમિત શાહ અને મુખ્યમંત્રી
સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, લોકાર્પણ કાર્યક્રમમાં
રાજ્યના અનેક પોલીસના ઉચ્ચ અધિકારી હાજર રહ્યા
હતા. રાજ્યના DGP વિકાસ સહાય અને શહેર પોલીસ
કમિશનર જી.એસ મલિક પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત
જાણીતા કોર્પોરેટર હાઉસ બિઝનેસમેન, ડોક્ટર, ધારાસભ્ય,
સાંસદ, પોલીસ પરિવારના સભ્યો સહિતના લોકો મોટી
સંખ્યામાં હાજરી આપી હતી.
ગૃહમંત્રીએ સભાનું સંબોધન કરતા કહ્યું કે, નવી કમિશનર કચેરીમાં ખાલી મકાનની સુવિધા નથી તેની સાથે નવી કાર્ય સંસ્કૃતિ પણ છે. નવરાત્રિનો પર્વ શક્તિના સંચયનું પર્વ છે. દુનિયાભરના લોકો ગુજરાતમાં આવીને અચંભિત થાય એવા ભવ્ય ગરબા થાય છે. નવરાત્રિના પર્વમાં આખા દેશમાં લોકો પોતાની રીતે સાત્વિક સમાજની રચનામાં આગળ વધે છે. તમામ ગુજરાતીઓને નવરાત્રિની શુભેચ્છાઓ. 140 કરોડના ખર્ચે બનેલી 7 માળની આ ઈમારતમાં જીમ, ફાયર સેફ્ટી, CCTV સહિતની સુવિધા છે. આવનાર દિવસોમાં નક્સલ મુક્ત અને આતંક મુક્ત થવાનું છે. ગયા વર્ષે 3 કાયદામાં મોટા બદલાવ લાવ્યા, કાયદામાં પરિવર્તન કરતા સમયે અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું. આવનાર 100 વર્ષની કલ્પના કરી કાયદાની વ્યાખ્યા કરી. જેથી, 100 વર્ષ સુધી ફેરફાર નહિ કરવો પડે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદે બહુ હુલ્લડ જોયા છે. હુલ્લડ અને આતંકવાદીનો ભોગ બન્યું છે. 10 વર્ષમાં ભારતમાં આંતરિક સુરક્ષામાં ઘણો ફેરફાર આવ્યો છે. કાશ્મીર અને નોર્થ ઇસ્ટમાં હિંસા અને હુમલામાં 70 ટકા ઘટાડો લાવ્યા અને મોતમાં 72 ટકા ઘટાડો કર્યો. આગામી સમય નક્સલ મુકત ભારત કરવામાં આવશે. 3 ક્રિમિનલ કાયદામાં પરિવર્તન કર્યું હતું. આ કાયદાઓના સંપૂર્ણ અમલ પછી ૩ વર્ષમાં આપના ક્રિમિનલ લો દુનિયાના સૌથી આધુનિક લો હશે. ટેકનોલોજીથી ગુના શોધવા, ગુના રોકવા અને લોકોને સજા આપવાનું કામ કરવામાં આવશે. ત્રણ વર્ષની અંદર એફઆઇઆર થવાથી સુપ્રીમ કોર્ટ સુધી સમગ્ર ન્યાયની પ્રક્રિયા પહોંચશે. જ્યારે નરેન્દ્રભાઈએ ભારતના અર્થતંત્રને 11માં નંબરથી પાંચમા નંબર પર લાવવાનું કામ કર્યું અને 2027 સુધીમાં આપણે પાંચમા નંબરથી નિશ્ચિત રૂપે દુનિયાના ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવા માટે આગળ વધી આપણા દેશની સુરક્ષા સાયબર અને આર્થિક ગુનાઓ માટે એક મજબૂત કાયદાની જરૂર હતી તે પોલીસને મળી છે.
ગૃહમંત્રી અમિત શાહે રિમોટ દ્વારા જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર અને તેરા તુજકો અર્પણ પોર્ટલનું લોકાર્પણ કર્યું. આ સાથે જ સાયબર સાથી પુસ્તિકાનું અનાવરણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હુલ્લડ અને રમખાણોની ઓળખ ધરાવતું ગુજરાત આજે દેશનું સલામત ગુજરાત થયું છે. સરકાર દ્વારા પોલીસને આધુનિક ઈન્ફરાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓને કડક હાથે ડામી દીધા છે. પોલીસને મોકળાશ વાળી કચેરી મળી છે. વિસ્મિત ગુજરાતમાં પણ નાગરિકોની સુરક્ષાનું લક્ષ્ય રાખ્યું છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અગાઉ રાજ્યમાં ગુંડા તત્વો હતા, કરફ્યૂ લાગતો હતો. આજે ગુજરાત દેશમાં કાયદા વ્યવસ્થામાં નંબર-1 પર આવ્યું છે. રાજ્યની પોલીસ ટેકનોલોજી સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ પર કામ કરે છે. જોકે, ગુજરાત પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ પર સારી કામગીરી કરી છે. દાહોદમાં નાઈટ વિઝન કેમેરા દ્વારા પોલીસે ચોરોને પકડ્યા છે. ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં પ્રોજેક્ટ દેવીના માધ્યમથી ડાકણ પ્રથા દૂર કરવામાં આવી છે. અનેક માતા દીકરાઓને પરિવાર સાથે મેળવ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને વ્યાજખોરોથી બચાવ્યા છે અને લોન અપાવી છે. મહિલાઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે. POSCOમાં બદલાવ આવ્યો છે, ઘરમાં શોક પૂરો થાય તે અગાઉ બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવી છે.
હાઇફાઇ સુવિધા સાથે સજ્જ આ બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશનર બેસશે. બિલ્ડિંગમાં બે માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3 હજાર કાર સહિતનાં વાહનો પાર્ક કરી શકાશે. બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન પણ છે. અલગ-અલગ માળ પર વિવિધ સુવિધા સાથે સજ્જ છે. મુલાકાતીઓને એરપોર્ટની માફક અહીં સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે.
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા પરેડ
ગ્રાઉન્ડમાં નવી પોલીસ કમિશનર કચેરી બનાવવામાં આવી
છે. આ બિલ્ડિંગની ખાસ વાત કરવામાં આવે તો બિલ્ડિંગમાં
એન્ટ્રેન્સમાં સિક્યોરિટી ચેકિંગ રાખવામાં આવ્યું છે, જેમાં
મેટલ ડિટેક્ટરથી લઈને તમામ વ્યવસ્થા રાખવામાં આવી
છે. જે રીતે એરપોર્ટ પર સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળે છે એ
રીતે જ અહીં બે ગેટ પર એન્ટ્રીની વ્યવસ્થા છે. આ સમગ્ર
પોલીસ કમિશનર કચેરીમાં કુલ 5 કોન્ફરન્સ રૂમ હશે.
નવી પોલીસ કમિશનર કચેરીમાં પાંચ કોન્ફરન્સ રૂમ તેમજ 5 ઓડિટોરિયમ, જેસીપી હેડ ક્વાર્ટરની કચેરી, એડીસીપી, ટ્રાફિક જેસીપી, સેક્ટર 1 અને સેક્ટર 2ની કચેરીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે અલાયદો રાખવામાં આવ્યો છે. આ પોલીસ કમિશનર કચેરીમાં અમદાવાદનો સૌથી મોટો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ તેમજ સુરક્ષા સેતુ અને ઇ-ગુજકોપ માટેની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સિનિયર અધિકારીઓને જણાવવા પ્રમાણે, આ બિલ્ડિંગમાં દરેક માળ પર પોલીસ કમિશનર કચેરીમાં બે પ્રકારની વ્યવસ્થા છે. એમાં લોકોને મદદરૂપ થઈ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે સામાન્ય રીતે લોકોને સ્પેશિયલ બ્રાન્ચની જરૂર પડતી હોય છે, જેમાં ખાસ કરીને મંજૂરી અને અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. એ માટે પ્રથમ માળ પર આખી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર બાદ પ્રથમ માળ પર ડીસીપી કન્ટ્રોલની કચેરી એડમિનિસ્ટ્રેશન અને સ્પેશિયલ બ્રાન્ચની કચેરી પણ પ્રથમ માળ પર રાખવામાં આવી છે.
અહીંયાં બનાવવામાં આવેલો કમાન્ડ એન્ડ કન્ટ્રોલરૂમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં શહેરની અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા 700 જેટલા કેમેરાનું મોનિટરિંગ થશે. એની સાથે મહિલાઓને તેમની મદદ માટેના શરૂ કરાવેલા પ્રોજેક્ટની તમામ દેખરેખ પણ અહીં રાખવામાં આવશે. એક જ જગ્યાએથી મોનિટરિંગ કરીને જે-તે ઝોનના ડીસીપી તેમજ સ્થાનિક અધિકારીઓ જાણ કરવામાં આવશે. આ બધાની વચ્ચે આર્કિટેક્ચરની દૃષ્ટિએ વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાત માળની બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશનરની કચેરી રાખવામાં આવી છે, જ્યાં કમિશનર બેસશે.
અમદાવાદ પોલીસ કમિશનરના પ્રાંગણમાં લેન્ડસ્કેપ ગાર્ડનની બાજુમાં જ શહીદો માટેની યાદગીરીના જગ્યા રાખવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસમાં અત્યારસુધી ફરજ દરમિયાન શહીદ થયેલા લોકોની યાદી છે, જેમાં કયા વર્ષમાં કોણ શહીદ થયું તેમનાં નામની પણ યાદી રાખવામાં આવી છે. શહીદ સ્મારકની યાદ આવે અને પોલીસ માટેની એક ભાવના સતત ઊભી રહે એ માટેની ખાસ વ્યવસ્થા છે. અહીં પાર્કિંગ અને સુરક્ષાની સાથે ફાયર સેફ્ટી તેમજ અલગ તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે.