ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે સામાન્ય સભા યોજાઇ હતી. તેના આરંભે મહિલા સભ્યોના પતિદેવોની દખલના મામલે હોબાળો મચી ગયો હતો. શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ એકબીજા ઉપર આક્ષેપો કરતાં મામલો ગરમાયો હતો. તે જ વખતે વિપક્ષી નેતાએ શાસક પક્ષને લાગણી શૂન્ય કહેતા જ મામલો ઉગ્ર બનતા જોતજોતામાં સામાન્ય સભા આટોપી લેવાઇ હતી.
સામાન્ય સભાના આરંભે દહેગામ તાલુકાની બેઠકના મહિલા સભ્યના પતિ સભ્યની ખુરશી પર બેસવા જઇ રહ્યા હતા ત્યારે ભાજપના ગુણવંતસિંહ ચાવડાએ વિરોધ કર્યો હતો. તેમની સાથે ભાજપના બહુ બોલકા સભ્ય કલ્પેશ પટેલ તેમને સમર્થન આપતા વિરોધના સૂર સાથે જોડાઇ ગયા હતા. ત્યારે વિપક્ષી નેતા અજિતસિંહ રાઠોડે બન્ને સભ્યો સામે આંગળી ચિંધીને કહ્યુ હતું કે તમે વિરોધ ના કરી શકો, તમારા શાસક પક્ષના મહિલા સભ્યોના પતિદેવો પણ સામાન્ય સભા સહિત દરેક કમિટીમાં દખલગરી કરતા જ હોય છે અને ખુદ પ્રમુખના પતિ પણ તેમાં બાકાત નથી. આ મામલે બન્ને પક્ષના સભ્યો વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો અને ઉગ્રતાપૂર્વક આક્ષેપબાજી ચાલી હતી.
દરમિયાન અગાઉની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના ત્રણ મહિલા કર્મચારીઓ સામે પગલા ભરવા માટેનો ઠરાવ પસાર કરાયો હોવાનો મુદ્દો અજિતસિંહે ઉઠાવ્યો હતો અને કહ્યુ હતું કે ઠરાવનો અમલ શા માટે કરવામાં આવતો નથી. ઠરાવમાં ઉલ્લેખ કરાયા મુજબ કર્મચારીઓ સામે પગલા શા માટે ભરવામાં આવતા નથી. તે મુદ્દો પણ સામાન્ય સભામાં ચગ્યો હતો. તે દરમિયાન એક મહિલા કર્મચારીને અન્યાય થવાના મામલે અજિતસિંહે શાસક પક્ષ સામે એવો આક્ષેપ કર્યો હતો કે તમે બધા લાગણી શૂન્ય છો અને સગવડિયો ધર્મ અપનાવો છો, તમે જુઠ્ઠા છો. તેવો શબ્દપ્રયોગ કરતાં ભાજપના સભ્યોએ એક સૂરે અજિતસિંહને ત્રણ બેઠકમાં હાજર ના રહી શકે તે માટેનો ઠરાવ કરવા માગણી કરી હતી.
સામાન્ય સભામાં હાજર નહીં રહેતા ડીઆરડીએના અધિકારી સામે ભાજપ અને વિપક્ષના સભ્યોએ સચિવ પદે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સભ્યોએ રજૂઆત કરી હતી કે મનરેગાનું બજેટ પસાર કરવાનું હોય ત્યારે જ તેઓ સામાન્ય સભામાં હાજરી આપે છે. તે પછી ક્યારેય દેખાતા ન હોવાથી તેમના માટે શા માટે ખુરશી ખાલી રાખવામાં આવે છે. તેમની સામે પગલા શા માટે ભરવા ના જોઇએ.