અમદાવાદ શહેરમાં હત્યાનો ચોંકવનારો કેસ સામે આવ્યો છે, જેમાં 30 વર્ષીય કારચાલક યુવકે સાયકલ ચાલક આધેડને જાણી જોઇને અડફેટે લીધા હતા. આ ઘટનામાં સાયકલ ચાલક આધેડનું ઘટનાસ્થળે મોત થયું હતું. પ્રથમ દૃષ્ટિએ આ અકસ્માતની ઘટના લગતી હતી, પણ પોલીસ તપાસમાં આ ઘટના હત્યા સાબિત થઇ છે. આ ઘટનામાં 30 વર્ષીય કારચાલક યુવકે આધેડની હત્યા કરી 22 વર્ષ બાદ પોતાના પિતાની હત્યાનો બદલો લીધો છે.
રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણ તાલુકાના અજાસર ગામમાં રહેતો અને ટાયરનો ધંધો કરતો 30 વર્ષીય ગોપાલસિંહ હરિસિંહ ભાટી આ ઘટનાનો મુખ્ય આરોપી છે.
બે દિવસ પહેલા 1 ઓક્ટોબરે આરોપી ગોપાલસિંહે અમદાવાદ શહેરમાં બોડકદેવ વિસ્તારમાં જ્ઞાનબાગ પાર્ટી પ્લોટની સામે પોતાની બોલેરો કાર GJ-08-BS-6183 પૂર ઝડપે ચલાવી સાયકલ પર સવાર 50 વર્ષીય નખતસિંહ અર્જુનસિંહ ભાટીને પાછળથી ટક્કર મારી કાર ચડાવી દઈને મોત નિપજાવ્યું હતું. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તાપસ શરૂ કરી હતી.
આ કેસમાં પોલીસે ઘટનાની આસપાસના CCTV ફૂટેજ, ટેક્નોલોજી અને હ્યુમન રિસોર્સને આધારે કારચાલક ગોપાલસિંહ હરિસિંહ ભાટીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે. પોલીસે આ કારચાલક ગોપાલસિંહ ભાટીની પૂછપરછ કરતા આરોપી તેમજ મરણ જનાર નખતસિંહ અર્જુનસિંહ ભાટી વચ્ચે અંગત અદાવત હોવાનું સામે આવ્યું હતું.
મરણ જનાર નખતસિંહ અર્જુનસિંહ ભાટીએ વર્ષ 2002માં કારચાલક ગોપાલસિંહ ભાટીના પિતા હરિસિંહ ખુશાલસિંહ ભાટીની રાજસ્થાનમાં હત્યા કરી હતી. આથી પિતાની હત્યાનો બદલો લેવા કારચાલક ગોપાલસિંહ ભાટીએ આયોજનપૂર્વક નખતસિંહ અર્જુનસિંહ ભાટીની હત્યા કરી છે. પોલીસે આ કેસમાં આરોપી વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી છે.