ગુજરાતમાં ગામથી લઈ મોટા મહાનગરોમાં નવરાત્રીની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા શેરી ગરબાથી લઈને મોટા પાર્ટી પ્લોટમાં ગરબા માટે આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ વચ્ચે સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ગરબા આયોજનના ત્રણ દિવસમાં પાટિયા પડી ગયા છે.
નવરાત્રી આમ તો નવ દિવસનો તહેવાર છે. પરંતુ સુરતમાં એવું તો શું બન્યું કે ત્રણ દિવસમાં આયોજનનું ઉઠમણું થઈ ગયું. વિગતો એવી છે કે આયોજકે ગરબા કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનો ખર્યો કર્યો હતો. વિશાળ ગ્રાઉન્ડમાં જાણિતા ગાયક કલાકારોને પણ બોલાવવામાં આવ્યા હતા. જો કે નવરાત્રીના ચોથા દિવસે ગરબા કાર્યક્રમનું આયોજન બંધ કરી દીધુ હતું. આટલો મોટો ખર્ચો અને વિશાળ આયોજન આમ અચાનક રદ થઈ જતા અનેક સવાલો ઉભા થયા હતા.
આ મામલે જ્યારે અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે પોલીસ અને મહાનગર પાલિકાની કોઈ પણ મંજૂરી લીધા વગર જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલુ જ નહીં ફાયર વિભાગની પણ મંજૂરી લેવામાં આવી નહોતી. આયોજકોએ પરમિશન વગર જ ડોમ ઉભો કરીને ત્રણ દિવસ સુધી ગરબાનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગરબા માટે મંજૂરી લેવી જરૂરી છે.
હવે આ આયોજન કેન્સલ થતા ACના કોન્ટ્રાક્ટરનું 20 લાખ અને મ્યુઝિકલ ગ્રુપના 60 લાખ સહિત વિવિધ કોન્ટ્રાક્ટરોના અંદાજે એકથી દોઢ કરોડ રૂપિયા ફસાયા છે. તપાસમાં નિલેશ અને રાજેશ જૈન નામના બે લોકોએ આ ગરબા કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું સામે આવ્યું છે. હાલ આયોજકો કોન્ટ્રાક્ટરોના કોલનો કોઈ જવાબ આપી રહ્યા નથી અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.