ચિનના કિયાંગજિયાંગ સેન્ચુરી સિટીમાં આવેલી સૌથી મોટી રહેણાંક બિલ્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રિજેન્ટ ઇન્ટરનેશનલ નામનું આ 675 ફૂટનું S આકારનું બિલ્ડિંગ એક લક્ઝરી હોટલની જેમ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ એક વિશાળ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં તબદીલ કરવામાં આવ્યું છે. હવે આ 39 માળમાં હજારો હાઈ લેવલ એપાર્ટમેન્ટમાં 20 હજારથી વધુ લોકોના ઘર છે.
જોવા જઈએ તો દુનિયાની સૌથી ઊંચી ઇમારતોમાં સામેલ બુર્જ ખલીફા નહીં આ ઇમારત દુનિયામાં સૌથી વધુ લોકોનું ઘર છે. આ બિલ્ડિંગ પોતે જ એક આખી સોસાયટી છે.
આ બિલ્ડિંગમાં ઘણી સુવિધાઓ અને વ્યવસાય આવેલા છે. આમાં એક વિશાળ ફૂડ કોર્ટ, સ્વિમિંગ પૂલ, કરિયાણાની દુકાનો, હેર સલૂન, નેલ સલૂન અને કાફે આવેલા છે. આ ઇમારતના નિવાસીઓને ભવનની અંદર પોતાની જરૂરિયાતની તમામ વસ્તુઓ મળે છે, તેના માટે તેમને બજારમાં જવાની જરૂર નથી. રસપ્રદ વાત એ છે કે, 20 હજાર લોકો રહેતા હોવા છતાં આ વિશાળ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ભરી શકાતી નથી. કેમ કે આ બિલ્ડિંગની મહત્તમ ક્ષમતા 30,000 લોકોની છે. તેથી વધુ 10 હજાર લોકો રહેવા આવી શકે છે.
આ વિશાળ બિલ્ડિંગના વીડિયોને એક્સ પર આશરે 60,000 વાર જોવાયો છે અને ઘણા યુઝર આ બિલ્ડિંગના વિશાળ આકારથી પ્રભાવિત થયા હતા. એક યુઝરે કહ્યું કે આ ઇમારતમાં આખું શહેર છે. જ્યારે બીજા યુઝરે કહ્યું કે, “આ લોકો પાણીની સપ્લાય અને ગટરની વ્યવસ્થા કઈ રીતે કરે છે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, “આ અવિશ્વસનીય છે, એ જોવું આશ્ચર્યજનક છે કે આધુનિક આર્કિટેક્ટ આટલા બધા લોકોને એક છત નીચે કેવી રીતે લાવી શકે છે. એક અદ્વિતીય સમુદાયની ભાવના પેદા કરી શકે છે.”
એક યુઝરે લખ્યું કે, “તે આટલી મોટી ઇમારતમાં ડિલિવરીની વ્યવસ્થા કઈ રીતે કરે છે? આ એક લોજેસ્ટિક પડકાર હોવો જોઈએ.” બીજા યુઝરે લખ્યું કે, “આ બિલ્ડિંગ જો ભૂકંપના કારણે ધરાશાયી થઈ તો, 20 હજારથી વધુ લોકો મરી જશે. આ ખૂબ જ જોખમી છે. આ બિલ્ડિંગમાં લિફ્ટ અને ખુલ્લી જગ્યાઓ જેવી સુવિધાઓ પર ખૂબ જ વધુ પ્રેશર હશે.”