ગુજરાતનાં અંકલેશ્વરમાં કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ પકડાયા બાદ હવે મધ્ય ગુજરાતનાં આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાનાં સરહદે આવેલી દવા બનાવતી કંપનીમાંથી કરોડોની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
દાહોદ જિલ્લાનાં સરહદે આવેલા જાગવાનાં મેઘનગર GIDC વિસ્તારમાં દવા બનાવતી કંપની મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડમાં દિલ્હી DRI ની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કંપનીમાંથી રૂ.168 કરોડની કિંમતનો 112 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 36 કિલો ડ્રગ્સ પાઉડર, 76 કિલો લિક્વિડ ફોર્મમાં મળી કુલ 112 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી કંપનીને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કંપનીમાં હાજર કુલ 4 ઈસમોને ધરપકડ પણ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ઝડપાયેલ 4 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડની માગ કરવામાં આવી હતી. નામદાર કોર્ટે કંપની સંચાલક વિજય રાઠોડના 4 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 3 ઈસમોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. DRI ની ટીમે કંપનીમાંથી કેમિકલ તેમ જ અન્ય મશીનરી પણ જપ્ત કરી હતી. એજન્સીની પ્રાથમિક તપાસમાં દવાની કંપનીમાં દાહોદનાં પિતા-પુત્ર ઓપરેટર અને હેલ્પર તરીકે કામ કરતા હતા અને કંપનીમાંથી ઇન્જેક્શન ફોર્મ, પાઉડર ફોર્મ તેમ જ અન્ય એક ફોર્મ મળી કુલ 3 ફોર્મમાં MD ડ્રગ્સ બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. કંપનીનો માલિક ગુજરાતનો જ હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઇ છે.